તા.૦૭.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:જેસાવાડા ગામે પંચાયત ચોકમાં ત્રાટકેલા તસ્કરોએ પદ્મનાથ મંદિરને નિશાન બનાવી મંદિરમાં મુકેલ ત્રણ દાન પેટીઓ માંથી આશરે ૨૫ થી ૩૦ હજાર રોકડની ચોરી
રામ નવમીની પૂર્વરાત્રીએ જેસાવાડા ગામે પંચાયત ચોકમાં ત્રાટકેલા તસ્કરોએ પદ્મનાથ મંદિરને નિશાન બનાવી મંદિરમાં મુકેલ ત્રણ દાન પેટીઓ માંથી આશરે ૨૫ થી ૩૦ હજારની રોકડ ચોરીને લઈ ગયાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે રામ નવમી ની પૂર્વ રાત્રીએ કેટલાક તસ્કરો પંચાયત ચોકમાં ત્રાટક્યા હતા. અને પંચાયત ચોકમાં આવેલ પદ્મનાથ મંદિરને નિશાન બનાવ્યું હતું અને મંદિરમાં પાછળના ભાગેથી સીડી બનાવી મંદિરમાં પ્રવેશ કરી તસ્કરો મંદિરમાં મૂકી રાખેલ ત્રણ જેટલી દાન પેટીઓના તાળા તોડી ત્રણે દાન પેટીઓમાંથી આશરે રૂપિયા ૨૫ થી ૩૦ હજાર જેટલી રોકડ રકમ ચોરીને લઈ ગયા હતા. રામ નવમીની વહેલી સવારે મંદિરમાં રહેતા મંદિરના પૂજારી પ્રકાશચંદ્ર રતનલાલ શર્મા ઊઠીને રોજની જેમ મંદિરમાં આવતા મંદિરમાં મુકેલ ત્રણે દાન પેટીઓ તૂટેલી અને ખાલી હાલતમાં જોવા મળતા તેઓને ચોરી થઈ હોવાનું જણાઈ આવતા તેઓએ ગામ લોકોને બોલાવી ચોરીની આ હકીકતથી વાકેફ કર્યા હતા. અને ત્યારબાદ પૂજારી પ્રકાશચંદ્ર રતન લાલ શર્માએ આ સંબંધે જેસાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૩૧(૩), ૩૩૧(૪),૩૦૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે