GUJARATKUTCHMANDAVI

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ૩૧ જુલાઈ સુધી “સ્ટોપ ડાયેરીયા કેમ્પેઈન” ઉજવવામાં આવશે.

“સ્ટોપ ડાયેરીયા કેમ્પેઈન” અંતર્ગત બાળકોને સ્વચ્છ પાણી, પૌષ્ટિક આહાર વગેરે બાબતોથી માહિતગાર કરાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

ડાયેરીયાથી થતાં બાળકોના મોતને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમો યોજાશે

માંડવી ,તા-૨૦ જૂન :  આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા બાળકોને થતા ડાયેરીયાના નિયંત્રિત માટે “ સ્ટોપ ડાયેરીયા કેમ્પેઈન” વર્ષ ૨૦૧૪થી ઉજવવામાં આવે છે. ૦ થી ૫ વર્ષના બાળકોના થતાં મૃત્‍યુના કારણમાં ૧૫ ટકા ‘ઝાડા’ રોગ ભાગ ભજવે છે. ઝાડા નિયંત્રણ પખવાડીયાની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં ઝાડાના કારણે થતાં મૃત્યુનો દર વધુમાં વધુ નીચે લઈ જવાનો છે. બાળકોને ઝાડાની સારવારમાં ઓ.આર.એસ. અને ઝીંકનો વપરાશ વધારવો તેમજ ૫ વર્ષથી નાના બાળકોમાં થતા ઝાડાના નિયંત્રણ અને સારવારને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્‍સાહન આપવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. આ કેમ્પેઈનનો ઉદેશ્ય ઝાડાની સારવાર માટે જનજાગૃત્તિ ફેલાવવા માટેનો છે.જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ જિલ્‍લા આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, કચ્છ દ્વારા ૧૬ જૂનથી શરૂ કરી ૩૧ જુલાઇ દરમિયાન તમામ સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્રો, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિર અને સેજાના ગામોમાં “સ્ટોપ ડાયેરિયા કેમ્પેઈન“ અંતર્ગત એક પહેલ “ઝાડાની રોકથામ, સફાઈ અને ઓ.આર.એસ.થી રાખો પોતાનું ધ્યાન” વેગવંતુ કરાશે.‌જે અંતર્ગત ઝાડાની બીમારીની ઓળખ અને નિયંત્રણ માટે સામુદાયિક સ્તરે સજાગતા કેળવવાની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ ઝાડાની બીમારીની સારવાર, ઓ.આર.એસ. ઝીંક કોર્નર બનાવવામાં આવેલ છે. આશા બહેનો દ્વારા પાંચ વર્ષથી ઓછી વય જૂથના બાળકોના ઘરે ઓ.આર.એસ.ના પેકેટનું વિતરણ કરવામાં આવશે. આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, આંગણવાડી બહેનો દ્વારા જનસમુદાય માટે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત જાગૃતિ લાવવામાં આવશે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મિતેષ ભંડેરી જણાવે છે કે, દેશમાં વર્ષે ૧.ર૦ લાખથી વધારે બાળકો ઝાડાના કારણે મૃત્યુ પામે છે. મૃત્યુ મોટે ભાગે ઉનાળા અને ચોમાસાના મહિનામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે અને આર્થિક રીતે પછાત પરિવાર ઝુંપડપટ્ટીઓ, સ્લમ વિસ્તારના બાળકો સૌથી વધારે ઝાડાના રોગથી પ્રભાવિત થાય છે. ઝાડાના કારણે થતા તમામ મૃત્યુને ઓ.આર.એસ. (ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન) ઝીંક ટેબલેટ અને સાથે સાથે બાળકોને પૂરતો સ્વચ્છ પોષણયુક્ત પૌષ્ટિક આહાર આપવો જેથી શરીરમાંથી પાણી અને જરૂરી ક્ષારોનું પ્રમાણ જાળવી શકાય છે. સ્વચ્છ પાણી, સ્તનપાન, યોગ્ય આહાર તેમજ સ્વચ્છ વાતાવરણ, હાથ ધોવાની આદત દ્વારા પણ ઝાડાનો ફેલાવો અટકાવી શકાય છે.બાળકોને ઝાડા થયા હોય ત્‍યારે ઓ.આર.એસ. અને ઝીંકની સારવાર માટે ગામના આશા બહેન, આંગણવાડી કાર્યકર, આરોગ્ય કર્મચારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. ઝાડા દરમિયાન ઓ.આર.એસ. અને ઝિંકની ગોળીઓ આપવી જરૂરી છે. ઝાડા દરમિયાન માતાનું દૂધ અને પ્રવાહી પદાર્થ આપવાનું ચાલુ રાખવું જોઈએ અને ૧૪ દિવસ સુધી બાળકને ઝિંકની ગોળીઓ આપવી જોઈએ. બાળકોને ઝડપથી સ્વસ્થ કરવા માટે ઓ.આર.એસ. અને ઝીંકની ગોળીનો ઉપયોગ કરવો એ સલામત ઉપાય છે. બાળકના મળનો ઝડપી અને યોગ્ય નિકાલ કરવો જોઇએ. સ્‍તનપાન ચાલુ રાખવું અને વધારે માત્રામાં પ્રવાહી ઝાડા દરમિયાન અને ઝાડા મટી ગયા પછી પણ આપવાનું ચાલુ રાખવું જોઇએ. શુધ્‍ધ (ચોખ્‍ખું) પાણીનો પીવા માટે ઉપયોગ કરવો. માતાએ જમવાનું બનાવતા પહેલા બાળકને જમાડતા પહેલા અને બાળકનું મળ સાફ કર્યા પછી પોતાના હાથ સાબુ વડે ધોવા જોઇએ તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મિતેષ ભંડેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!