ભરૂચમાં નિવૃત્ત પોલીસકર્મીઓની અનોખી પહેલ:42 ડિગ્રી તાપમાનમાં રાહદારીઓ માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરી, સ્ટેશન-એસટી ડેપો સહિત વ્યસ્ત વિસ્તારોમાં મૂક્યા જગ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરમાં આજકાલ કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આવા સમયે શહેરના નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ માનવતાની મિસાલ પેશ કરી છે. ‘રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચ’ના સભ્યોએ પોતાના સ્વૈચ્છિક ફાળાથી શહેરમાં ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે. તેમણે સ્ટેશન પોલીસ ચોકી, ઝાડેશ્વર ચાર રસ્તા, જંબુસર બાયપાસ અને એસટી ડેપો જેવા વ્યસ્ત વિસ્તારોમાં પાણીના જગ મૂક્યા છે.
શહેરમાં અનેક સ્થળોએ પરબ બંધ છે. રસ્તા પર કામ કરતા શ્રમિકો, રાહદારીઓ અને પ્રવાસીઓને પીવાના પાણી માટે મુશ્કેલી પડી રહી છે. બજારમાંથી પાણીની બોટલ ખરીદવી દરેક માટે શક્ય નથી. ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે આ ખર્ચ પરવડે તેમ નથી.
નિવૃત્ત પોલીસકર્મીઓની આ પહેલ માત્ર તરસ છિપાવતી નથી, પણ એક મજબૂત સંદેશ પણ આપે છે. તેમણે સાબિત કર્યું છે કે નિવૃત્તિ પછી પણ સમાજ પ્રત્યેની ફરજ પૂરી થતી નથી. આ પહેલથી તેમણે સાચા અર્થમાં સાબિત કર્યું છે કે પોલીસ ખરેખર પ્રજાનો મિત્ર છે.