ડાંગમાં પતિના વહેમનાં ત્રાસથી કંટાળેલી પત્નીએ 181 અભયમ ટીમની મદદ માંગી..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા નજીકના એક ગામમાં પતિ-પત્ની વચ્ચે વહેમના કારણે થયેલા ઝઘડામાં પત્નીએ કંટાળીને 181 મહિલા હેલ્પલાઇન પર મદદ માટે પોકાર કર્યો હતો.પીડિત મહિલાના કોલને ગંભીરતાથી લઈને 181 મહિલા અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મહિલાને સહાય પૂરી પાડી હતી.મળતી માહિતી મુજબ, પીડિત મહિલાને બે બાળકો છે અને તેમનો પતિ કોઈ કામધંધો કરતો નથી. એટલું જ નહીં, તે જ્યાં-ત્યાંથી ઉછીના પૈસા લઈને દેવામાં ડૂબેલો રહે છે.આર્થિક તંગી અને પતિના ત્રાસથી કંટાળીને પીડિત મહિલા પોતાના બાળકો સાથે પોતાના પિયરમાં આવી ગઈ હતી. જ્યારે તે મજૂરી કામ માટે બહાર જતી હતી, ત્યારે તેના પતિએ તેના પર વહેમ રાખવાનું શરૂ કર્યું હતું કે તે મજૂરી કરવા નહીં, પરંતુ કોઈ અન્ય વ્યક્તિને મળવા જાય છે.આ વહેમના કારણે પતિએ તેની સાથે મારપીટ પણ કરી હતી.પતિના અસહ્ય ત્રાસથી તંગ આવીને પીડિત મહિલાએ આખરે 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને પોતાની આપવીતી જણાવી હતી. કોલ મળતાની સાથે જ 181 મહિલા અભયમ ટીમના કાઉન્સેલર નેહા મકવાણા અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કર્યું અને તેની પરિસ્થિતિ જાણી.મહિલાના શરીર પર માર મારવાના નિશાન સ્પષ્ટ દેખાતા હતા અને તે ઊભા રહી શકે તેવી હાલતમાં પણ ન હતી.મહિલાની ગંભીર હાલત જોતા 181 અભયમ ટીમે તાત્કાલિક 108 આરોગ્ય ઇમર્જન્સીને ફોન કરીને તેને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરી હતી.આ સાથે જ ટીમે પીડિત મહિલાની માતાને પણ ઘટનાની જાણ કરી અને હોસ્પિટલમાંથી જ પોલીસ કાર્યવાહી થઈ શકે છે તેવી માહિતી આપી હતી.બીજી તરફ, 181 ટીમે પીડિત મહિલાના પતિને તેની જવાબદારીઓનું ભાન કરાવ્યું અને તેને કાયદાકીય સમજ પણ આપી ટીમે તેને પારિવારિક સંબંધોનું મહત્વ સમજાવ્યુ હતુ.પતિએ પણ પોતાની ભૂલ સ્વીકારી અને ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરે તેવી ખાતરી આપી હતી.પોતાના ઘર અને પરિવારને તૂટતો બચાવવા માટે તેણે કાયદાકીય માહિતી મેળવી અને પોતાની પત્ની સાથે સારવાર માટે હોસ્પિટલ ગયો હતો.આમ, 181 મહિલા અભયમની ટીમે સમયસર પહોંચીને પીડિત મહિલાને માત્ર તાત્કાલિક સહાય અને સારવાર જ પૂરી પાડી નહીં, પરંતુ તેના પરિવારને તૂટતા પણ બચાવ્યો હતો. પીડિત પત્નીએ 181 મહિલા અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ ઘટના મહિલા હેલ્પલાઇન 181ની સમાજમાં જરૂરિયાત અને મહત્વને ઉજાગર કરે છે..