વિચારધારા અલગ-અલગ છે તેથી મુશ્કેલી દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા નું ભાજપમાંથી રાજીનામું
તાહિર મેમણ – ડેડીયાપાડા – 16/04/2025 – નર્મદા જિલ્લાના દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને રાજીનામું મોકલી સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે.માજી ધારાસભ્ય અને આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ મહેશ વસાવાએ આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, BJP માં કોઇને બોલવાની સત્તા નથી. નર્મદા અને તાપીનું પાણી અંદરનાં તાલુકાને મળતું નથી તેવો પણ તેમને આક્ષેપ કર્યો છે. વિચારધારા અલગ-અલગ છે તેથી મુશ્કેલી હતી તેમ જણાવ્યું હતું
મહેશ વસાવાએ ગઈકાલે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. જે બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો માહોલ જામ્યો છે. મહેશભાઈ વસાવા આદિવાસી નેતા છોટુભાઈ વસાવાના પુત્ર છે. તેઓ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપમાં જોડાયા હતા. તેમણે સાંસદ મનસુખભાઈ વસાવાના પ્રચારમાં પણ ભાગ લીધો હતો. રાજીનામાના કારણમાં તેમણે જણાવ્યું કે, દેશમાં સંવિધાન મુજબ કાર્ય થતું નથી. તેમણે આદિવાસી, દલિત, ઓબીસી, મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ સમુદાયોને સાથે રાખી આરએસએસ અને ભાજપની વિચારધારા સામે લડવાની વાત કરી છે.
મહેશભાઈ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સ્વતંત્ર રીતે ઊભા રહેવાનો તેમનો ઇરાદો છે. તેમનું માનવું છે કે આદિવાસી સમાજનો વિશ્વાસ પુનः મેળવવા માટે આ નિર્ણય જરૂરી છે. તેમણે એકતાનું મહત્વ સમજાવતા કહ્યું કે જો સંગઠિત થઈને લડશે તો જીત મળશે, અન્યથા વિભાજનથી નુકસાન થશે.