તેજસ્વિની સંસ્કૃતિ ધામ,વાસુર્ણા ખાતે ત્રિ-દિવસીય ધન્વંતરી આરોગ્ય ચિંતન શિબિરનું આયોજન સંપન્ન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

તેજસ્વીની સંસ્કૃતિ ધામ પરિવાર તથા ધનવંતરી આરોગ્ય મંડળ દ્વારા ચૈત્ર મહિનામાં ‘આરોગ્ય ચિંતન શિબિર’ નું આયોજન કરાયું હતું. જેમાં પુરા ગુજરાત રાજ્યના આયુર્વેદિક, હોમીઓપેથી, ફાર્માસ્યુટિકલ, ફિઝીયોથેરાપીસ્ટ, શિક્ષકો, અને ઉદ્યોગપતિઓ પરિવાર સહિત પધાર્યા હતા. આ ચિંતન શિબિરમાં યોગ, આયુર્વેદ, અધ્યાત્મ, ધ્યાન સાથે ટ્રેકિંગ સમયે રોજિંદી વનસ્પતિઓનું પરીક્ષણ, સામાજિક સમસ્યા સમાધાન શારીરિક, માનસિક, આધ્યાત્મિક રોગોના ઉપચાર તથા સનાતન ધાર્મિક ઉત્સવો માટેનું ચિંતન કરવામાં આવ્યું હતું. દરમિયાન બાળ ઉછેર માટે બાળ ગીતો, સનાતન સંસ્કૃતિ ચિંતન પણ કરાયું હતું. તો જીવન દરમિયાન બચપન, યુવાની અને બુઢાપા દરમિયાનની જીવનશૈલીમાં આહાર, વિહાર, વિચાર, વહેવાર, અને અગ્નિહોત્ર શું ભાગ ભજવે છે એની મુક્તમને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્ય આયોજક અને પ્રેરણા સ્તોત્ર ડો.નાકરાણી રહ્યા હતા. મુખ્ય માર્ગદર્શક તથા વક્તા તરીકે બ્રહ્મવાદિની પૂજ્ય હેતલદીદી, ગૌતમભાઈ સખીયા, ડૉ.ભારતીબેને સેવા બજાવી હતી. આચાર્ય ડૉ કેતનદાદા, ચેતનાબહેન, જયાલક્ષ્મી બહેન ,ધનસુખભાઈ દ્વારા ગામની આદિવાસી કન્યાપૂજનનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ગોપેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સફળતા માટે ચિત્રા બેન, ઓમભાઈ, ડૉ. રૂનાલીબેન, સુરેશભાઈ, ધનસુખભાઈએ મહત્વની સેવા બજાવી હતી.



