
તા.૨૨.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદમાં જન્મ-મરણ નોંધણી માટે ભારત સરકારના CRS પોર્ટલ અંગે તાલીમ યોજાઈ
દાહોદ જિલ્લાના સંબંધિત કર્મચારીઓ નવા પોર્ટલના ઉપયોગથી સજ્જ બનતા જન્મ-મરણ નોંધણીની પ્રક્રિયા વધુ ઝડપી, સરળ અને અસરકારક રીતે કરી શકે એ માટે તાલીમ યોજવામાં આવી હતી.નાગરિકો માટે જન્મ અને મરણની નોંધણી પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાના હેતુથી ગુજરાત સરકારના નિર્દેશ મુજબ દાહોદ જિલ્લામાં આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દ્વારા ઈ-ઓળખ એપ્લિકેશનના સ્થાને ભારત સરકારના CRS (Civil Registration System) પોર્ટલનો અમલ કરવા માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ સેશનનું આયોજન નાયબ મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) ડૉ હિતેન એસ. પારેખ અને જિલ્લા રજિસ્ટ્રાર (જન્મ-મરણ) ડો. ઉદયકુમાર ટીલાવતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.તાલીમમાં દાહોદ જિલ્લાના તમામ તાલુકા રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરઓ , ઈન્સ્પેક્ટર, તાલુકાના તમામ આંકડા મદદનીશ, તાલુકાના તમામ ટી એલ ઈ અને તમામ તાલુકાના એક એક એક્ટિવ તલાટી કમ મંત્રી તથા નગરપાલિકાના સબ રજીસ્ટાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. ડી.આઈ.સી.ઓ. ડૉ. હિતેશ ચારેલ તથા પ્રોગ્રામ આસિસ્ટન્ટ મુકેશ દેવધા દ્વારા આ પોર્ટલ પર જન્મ, મરણ અને મૃત જન્મની નોંધણી કેવી રીતે કરવી તે અંગે વિસ્તૃત અને વ્યવહારિક તાલીમ આપવામાં આવી હતી. આ નવા પોર્ટલની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેમાં નોંધણી પ્રક્રિયા વધુ ચોક્કસ અને ભૂલરહિત બનશે. અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી માહિતી ચકાસણી માટે સીધી પોર્ટલ દ્વારા જ અરજદારને મોકલવામાં આવશે. જો કોઈ ભૂલ હોય તો અરજદાર ૨૪ કલાકની અંદર મોબાઈલ દ્વારા રજિસ્ટ્રારને જાણ કરી શકશે. જેનાથી ભૂલ થવાની શક્યતા નહિવત્ રહેશે. આ ઉપરાંત નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજદાર પોતે જ પોર્ટલ પરથી જન્મ કે મરણનું પ્રમાણપત્ર સરળતાથી ડાઉનલોડ કરી શકશે, જેનાથી સમય અને શ્રમ બંનેની બચત થશે.આ તાલીમથી જિલ્લાના તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ નવા પોર્ટલના ઉપયોગ માટે સજ્જ બન્યા છે, જેનાથી જન્મ-મરણ નોંધણીની પ્રક્રિયા વધુ ઝડપી, સરળ અને અસરકારક બનશે





