
ફૈઝ ખત્રી..શિનોર
શિનોર: વડોદરા જિલ્લાના શિનોર મુકામે ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, શિનોર શાખા દ્વારા વૃક્ષારોપણ, રક્ષાબંધન પર્વની ઉજવણી તથા નશામુક્ત ભારત અભિયાનનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી નશામુક્ત બનવાની તથા કોઈપણ પ્રકારનું વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે દિલ્હીથી ડો. પ્રમોદભાઈ તથા ડભોઈથી રાજયોગીની જ્યોતિ દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાજયોગીની જ્યોતિ દીદીએ પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ અને પ્રકૃતિ જતનનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ રક્ષાબંધન પર્વને પવિત્રતાનો તહેવાર ગણાવી, જીવનમાં પવિત્રતા જ સાચી રક્ષા કરે છે તેવો સંદેશ આપ્યો હતો.
ડો. પ્રમોદભાઈએ જીવનમાં મધુરતા, સરળતા અને સત્યતાને ધારણ કરવાની પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ નશાથી દૂર રહેવા અને સ્વસ્થ જીવન જીવવાનો સંકલ્પ કર્યો હતો.
આ પ્રસંગે બ્રહ્માકુમારી ધરતીબેને રક્ષાબંધન પર્વ નિમિત્તે શિનોરની કાકાની ખડકી ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સૌને ઈશ્વરીય હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું.




