
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આહવાના ઈસદર નજીક ટ્રેક્ટર પાણીના વહેણમાં ખાબક્યું, જ્યારે શામગહાન પાસે સંતરાભરેલો આઈસર ભેખડ સાથે અથડાયો
ડાંગ જિલ્લામાં મંગળવારે અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી હતી. આહવા તાલુકાના ઈસદર નજીક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર કોઝવે પરથી પાણીના વહેણમાં ખાબક્યું હતું. ટ્રેક્ટરનો આગળનો ભાગ પાણીમાં ગરકાવ થયો હતો, જ્યારે ટ્રોલી ઊંધી લટકતી જોવા મળી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
બીજી તરફ, સાપુતારા-શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શામગહાન નજીક સંતરાનો જથ્થો ભરેલો આઈસર ટેમ્પો સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ભેખડ સાથે ધડાકાભેર અથડાયો હતો. અકસ્માતમાં ક્લીનર કેબિનમાં ફસાઈ જતાં સ્થાનિકો અને સાપુતારા પોલીસની ટીમે ભારે જહેમત બાદ તેને બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં વાહન અને સંતરાના જથ્થાને નુકસાન થયું હતું, જ્યારે ચાલક-ક્લીનરને નાની-મોટી ઈજાઓ થતાં સદનસીબે બંનેનો બચાવ થયો હતો.



