વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજ, તા-24 મે : આગામી તા.૨૬મે ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કચ્છ જિલ્લામાં માર્ગની માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે રૂ.૧૦૫ કરોડના ખર્ચે બે મહત્વપૂર્ણ રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટ્સ કચ્છના પ્રવાસન ઉદ્યોગને વેગ આપશે અને સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપવા સાથે હજારો લોકોને સીધો લાભ પહોંચાડશે.આ પ્રોજેકટમાં કોસ્ટલ હાઇવે પર આવેલા લાયજા-બાડા-માપર-મોડકુબા-લથેડી-સાંધણ-સુથરી-કોઠારા રોડનું વાઈડનિંગ અને સ્ટ્રેન્થનિંગ કરાયું છે. માંડવી અને અબડાસા તાલુકામાંથી પસાર થતા આ ૪૭.૨૫ કિ.મી. લાંબા કોસ્ટલ હાઇવે માટે રૂ.૫૫ કરોડનો ખર્ચ કરાયો છે. આ પ્રોજેકટમાં રસ્તાને પહોળો અને મજબૂત કરવાનું કામ, સી.સી. રોડ, નવા ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સ, પ્રોટેક્શન વર્ક અને રોડ ફર્નિચરનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટથી ટ્રાફિક હળવો થશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સરળ ટ્રાફિક તથા વધુ સારી કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે. સાથે જ પ્રવાસન ઉદ્યોગને મોટો વેગ મળશે અને પ્રાદેશિક અર્થતંત્રને પ્રોત્સાહન મળશે. આ પ્રોજેક્ટથી અંદાજે ૧૦,૭૯૪ લોકોને સીધો લાભ થશે. અન્ય પ્રોજેકટમાં ૩૧.૨૦ કિ. મી. ની લંબાઈ ધરાવતા અને રૂ.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ભીરંડીયારી – હોડકો – ધોરડો ટેન્ટ સીટી રોડનું વાઈડનિંગ અને સ્ટ્રેન્થનિંગનો સમાવેશ થાય છે. જેમાં રસ્તાને પહોળો અને મજબૂત કરવાનું કામ, નવા ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સ, પ્રોટેક્શન વર્ક અને રોડ ફર્નિચરનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટથી ટ્રાફિક હળવો થશે અને ભીરંડીયારી, હોડકો અને ધોરડો જેવા પ્રવાસન સ્થળો વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી મળશે. સાથે જ પ્રાદેશિક અર્થતંત્રને પણ પ્રોત્સાહન મળશે. આ પ્રોજેક્ટથી અંદાજે ૧૧,૪૯૩ લોકોને સીધો લાભ થશે. આ બંને પ્રોજેક્ટ્સ કચ્છના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આનાથી સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને પ્રવાસીઓ માટે અવરજવર સરળ બનશે અને કચ્છનો આર્થિક વિકાસ વધુ ગતિશીલ બનશે.ઉલ્લેખનીય છે કે, ભુજ ખાતે તા.૨૬મી મેના ભુજ-મિરઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી રૂ.૫૨,૯૫૩ કરોડના કુલ ૩૧ વિકાસકામોની ગુજરાતને ભેટ આપશે. કચ્છ, મોરબી, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, તાપી તથા મહીસાગર જિલ્લાને સમાવતા વિકાસકામોનું વડાપ્રધાનશ્રીના હસ્તે ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહુર્ત કરાશે. આ કાર્યક્રમમાં રૂ.૨૨૯૨ કરોડના ૧૭ કામોના લોકાર્પણ તથા રૂ.૫૦,૬૬૧ કરોડના ૧૪ કામોના ખાતમૂહુર્ત સામેલ છે.