GUJARATKUTCHMANDAVI

“સ્વચ્છતા હી સેવા” અંતર્ગત ગ્રામ્ય તથા કચ્છની નગરપાલિકાઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન સફાઇ કરાઇ.

સ્વચ્છતા સાથે સ્વસ્થતાના આગ્રહી અને વ્યવહારીક જીવનમાં કાયમી ધોરણે કચરાનો યોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા અંગે માર્ગદર્શન અપાયું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

અંજાર તાલુકા પંચાયત ખાતે તલાટી અને સરપંચની રીફ્રેશર તાલીમ યોજાઇ.

માંડવી,તા૨૫ ઓક્ટોબર : કચ્છની વિવિધ નગરપાલિકાઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. જે અન્વયે કચ્છના ગ્રામ્ય વિસ્તાર સાથે અંજાર, માંડવી, રાપર, નખત્રાણા, ભચાઉ, ભુજ, ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સફાઇ કરવામાં આવી હતી. આ સાથે અંજાર તાલુકા પંચાયત ખાતે તલાટી અને સરપંચની રીફ્રેશર તાલીમ યોજાઇ હતી.

કચ્છમાં ગ્રામ્યવિસ્તાર તથા નગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રિ સફાઇ કરીને સઘન સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા રાત્રિ અને દિવસના સઘન સફાઇ અભિયાન ચલાવાઇ રહ્યું છે. જેમાં જાહેર માર્ગો, જાહેર ચોક, સર્કલ વગેરે સ્થળોની નિયમિત સફાઇ સાથે જનજાગૃતિ વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. ઉપરાંત ગાંધીધામ તાલુકા પંચાયત કચેરી, રાપર મામલતદાર કચેરી સહિત જિલ્લામાં અન્ય કચેરીઓમાં પણ સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. જયારે ગ્રામ્ય વિસ્તારમાં પણ સફાઇની કામગીરી કરવામાં આવી હતી. કિડાણા, નારાયણ સરોવર, કાનમેર વગેરે ગામમાં જાહેર વિસ્તાર, શેરી, તળાવ વગેરેની જનભાગીદારી સાથે સફાઇ કરાઇ હતી.  ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા,અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત અંજાર તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી અને સરપંચની બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમનો મુખ્ય હેતુ ગ્રામકક્ષાએ ઘન અને પ્રવાહી કચરાનો યોગ્ય, સુચારૂ અને કાયમી નિકાલ કરવા અંગે યોગ્ય માર્ગદર્શન આપવાનો હતો. લોકો સામૂહિક રીતે સ્વચ્છતા સાથે સ્વસ્થતાના આગ્રહી બને અને વ્યવહારીક જીવનમાં કાયમી ધોરણે ઘન અને પ્રવાહી કચરાનો યોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં સ્વૈચ્છિક રીતે કટિબધ્ધ બને તે માટે કર્મચારીઓને તાલીમથી માહિતગાર કરવામાં આવ્યા. રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા અમદાવાદના માસ્ટર ટ્રેનરો દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

આ પ્રસંગે અંજાર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભુરાભાઈ છાંગા, તાલુકા વિકાસ અધિકારીશ્રી પાયલબેન ચૌધરી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી બી.પી. ઝાલા, સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાના જિલ્લાના SWM કન્સલ્ટન્ટશ્રી વિજય જેઠવા, તાલુકા બ્લોક કો.ઓર્ડીનેટર લક્ષ્મણભાઈ પરમાર, અંજાર તાલુકાના તલાટી મંડળના પ્રમુખ હિતેશભાઈ વરૂ, ક્લસ્ટર કો-ઓર્ડીનેટરશ્રી તેમજ તાલુકાના ગામોના સરપંચ અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!