BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠા કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ‘જય અંબે તિથિ ભોજન’ યોજના અંતર્ગત રીવ્યુ બેઠક યોજાઈ

17 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

દરરોજ હજારો શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે નિશુલ્ક પ્રસાદનો લાભ: અંબાજીમાં શરૂ થયેલી ભોજન યોજનાના તમે પણ દાતા બની શકો છો માઈભક્તો પોતાની પુણ્યતિથિ, જન્મદિવસ કે લગ્ન પ્રસંગ નિમિત્તે આ સેવા યોજનામાં જોડાઈ શકે છે:- કલેકટરશ્રી મિહિર પટેલ ભારતભરના ૫૧ શક્તિપીઠોમાં હૃદયસ્થાન ગણાતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ખાતે લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવાના ઉમદા હેતુથી ‘જય અંબે તિથિ ભોજન’ યોજના ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ કલેકટર કચેરી, પાલનપુર ખાતે જય અંબે તિથિ ભોજન યોજના અંતર્ગત રીવ્યુ બેઠક યોજાઈ હતી. ‘અંબિકા અન્નક્ષેત્ર’ દ્વારા હાલમાં દરરોજ હજારો યાત્રાળુઓને નિ:શુલ્ક ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. આ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અમલી કરાયેલી ‘તિથિ ભોજન’ યોજના અંતર્ગત, જે દાતા ૧.૫૧ લાખનું દાન અર્પણ કરશે, તેઓ આજીવન તે નિશ્ચિત તિથિ કે તારીખના મુખ્ય દાતા તરીકે નોંધાશે. દર વર્ષે નિર્ધારિત તિથિએ અન્નક્ષેત્ર ખાતે દાતાના નામની તકતી લગાવી તેમના સહયોગની નોંધ લેવામાં આવશે. આ બેઠકમાં કલેક્ટરશ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે, માઈભક્તો પોતાની પુણ્યતિથિ, જન્મદિવસ કે લગ્ન પ્રસંગ નિમિત્તે આ યોજનામાં જોડાઈ શકે છે. અંબાજી ખાતે કરેલું આ દાન થકી જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ભોજન આપવામાં આવી રહ્યું છે. જિલ્લાના અધિકારીશ્રીઓ પણ આ યોજનામાં પોતાની ભાગીદારી નોંધાવે અને સેવા યજ્ઞમાં જોડાય તે માટે કલેકટરશ્રી દ્વારા અપીલ કરાઈ હતી.
વર્તમાન વ્યવસ્થા મુજબ, અન્નક્ષેત્રમાં દરરોજ સવારે ૧૦:૩૦ થી બપોરે ૩:૦૦ અને સાંજે ૬:૦૦ થી રાત્રે ૯:૩૦ કલાક સુધી શુદ્ધ ભોજન પીરસાય છે. મેનુમાં પૂરી-શાક, દાળ-ભાત અને પાપડ જેવી વાનગીઓ તેમજ રવિવાર, પૂનમ અને અષ્ટમી જેવા ખાસ દિવસોએ માતાજીના પ્રિય પ્રસાદ ‘મોહનથાળ’નો સમાવેશ થાય છે. સામાન્ય દિવસોમાં અંદાજે ૬ હજાર અને વિશેષ દિવસોએ ૮ હજાર જેટલા ભક્તો આ પ્રસાદનો લાભ લે છે.‘અન્નદાન એ જ સૌથી મોટું દાન’ છે તેવી ભાવના સાથે ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોને આ યોજનામાં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શક્તિપીઠ અંબાજી ખાતે લાખોની સંખ્યામાં આવતા શ્રધ્ધાળુઓ માટે આ નિશુલ્ક સેવાનું કામ કરવામાં આવતા લોકો આ યોજનાને વખાણી રહ્યા છે. આ પ્રસંગે નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી સી.પી.પટેલ, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદી સહિત જિલ્લા સંકલનના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!