વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સગર્ભા અને ધાત્રી માતાઓની તપાસ કરી કિશોર- કિશોરીઓને જરૂરી નિઃશુલ્ક ભેટો આપવામાં આવી
છેવાડાના લોકો સુધી આરોગ્ય ખાતાની સેવા પહોંચાડનાર શ્રેષ્ઠ આરોગ્ય કર્મીઓને સન્માનિત કરાયા
આરોગ્ય કર્મીઓમાં સેવાની સાથે સાંસ્કૃતિક કલાનું સંવર્ધન થાય તે માટે વિવિધ કૃતિઓ રજૂ કરાઈ
વલસાડ તાલુકાના ચણવઈ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે આરોગ્ય ખાતાના દરેક સ્ટાફની સર્જનાત્મક કૃતિઓ સુંદર સ્વરૂપમાં પ્રસ્તુત થઈ હતી.
આરોગ્ય ખાતાના અધિકારીઓ અને કર્મીઓએ નાટક, કાવ્ય પ્રસ્તુતિ, નૃત્યનાટિકા અને વિવિધ પ્રાદેશિક લોકનૃત્ય અને સમૂહગીત રજૂ કર્યા હતા. પ્રજાના આરોગ્યની હંમેશા ચિંતા કરતા આરોગ્ય કર્મચારીઓમાં કામગીરીની સાથે સાથે ઉત્સાહ અને આનંદ વધુ ફેલાતો રહે, સૌની કાર્યક્ષમતા વધે તે માટે સાંસ્કૃતિક કલાનું સંવર્ધન પણ જીવનમાં જરૂરી છે. વિશ્વ મહિલા દિનની ઉજવણી પ્રસંગે સગર્ભા અને ધાત્રી માતાઓની તપાસ પણ કરવામાં આવી હતી. કિશોરો, કિશોરીઓને જરૂરી નિઃશુલ્ક ભેટો આપવામાં આવી હતી. વાર્ષિક કામગીરીના માપદંડ મુજબ જેમની શ્રેષ્ઠ કામગીરી થઈ હોય અને ગામડાના છેવાડાના લોકો સુધી આરોગ્યની સુંદર માવજતભરી સેવાઓ પહોંચાડી હોય એવાં આરોગ્ય કર્મીઓને એવોર્ડ આપીને સન્માનિત પણ કરાયા હતા. પીએચસીના આરોગ્ય કર્મી વર્ષાબેન પટેલ દ્વારા હસ્તકલાના સુંદર નમૂનાઓ અને તોરલ પાટીલ દ્વારા ચિત્રકલાની કૃતિઓ પણ પ્રસ્તુત થઈ હતી. મહિલા દિનની ઉજવણીને સાર્થક બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના દરેક આરોગ્ય સ્ટાફે તનતોડ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.