

ફૈઝ ખત્રી…શિનોર
રાજ્યભરમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગરમીના વધતા પારાને કારણે લોકો ઠંડક અને મનોરંજનના સ્થળોની શોધમાં નીકળી રહ્યા છે. ત્યારે શિનોર તાલુકાના માલસર ગામ નજીક નર્મદા બ્રિજ પાસે આવેલ નર્મદા નદીનો કિનારો સહેલાણીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે.
નર્મદાના સ્વચ્છ અને શીતળ જળમાં સ્નાન કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે. ખાસ કરીને રજાના દિવસોમાં પરિવાર સાથે આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
નદી કિનારે ફેલાયેલું મનમોહક કુદરતી સૌંદર્ય, શાંત વાતાવરણ અને ઠંડા પાણીનો અનુભવ લોકોને વિશેષ આકર્ષી રહ્યો છે. ગરમીથી રાહત મેળવવાની સાથે લોકો પરિવારજનો અને મિત્રો સાથે ગુણવત્તાસભર સમય પણ વિતાવી રહ્યા છે.
ઉનાળાની રજાઓ દરમિયાન માલસર નજીકનો નર્મદા કિનારો પ્રવાસન અને મનોરંજનનું મહત્વનું કેન્દ્ર બની ગયો છે, જ્યાં દરરોજ સહેલાણીઓની ભારે અવરજવર જોવા મળી રહી છે.


