

ફૈઝ ખત્રી..શિનોર
નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વડોદરાના સંયુક્ત માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાના મોટા ફોફળીયા દ્વારા શિનોર ખાતે પ્રજાપિતા બ્રહ્મ કુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયમાં સર્વ રોગ નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
12મા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે શિનોરના ગ્રામજનોને યોગના મહત્વ અને તેના આરોગ્યલક્ષી ફાયદાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગોપાલભાઈ વાનાણી દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો અને ઉપસ્થિત લોકોને યોગ દ્વારા સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કેમ્પ દરમિયાન ઉપસ્થિત દર્દીઓના વિવિધ રોગોનું નિદાન કરી જરૂરી ચિકિત્સા આપવામાં આવી હતી. સાથે જ આયુર્વેદિક સારવાર અને યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ઔષધિય માહિતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. કેમ્પમાં સરકારી આયુર્વેદ દવાખાના મોટા ફોફળીયાના મેડિકલ ઓફિસર ડૉ. નિકુંજ પોપટાણીએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શિનોરના ગ્રામજનોએ પણ સારો સહયોગ આપ્યો હતો.




