

ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના બરકાલ ગામ પાસે નર્મદા નદીના વચ્ચે આવેલા એક નાનકડા જંગલમાં વ્યાસેશ્વર મહાદેવનું સુપ્રસિદ્ધ અને આસ્થાનું કેન્દ્ર ગણાતું મંદિર આવેલું છે.સોમવતી અમાસના પાવન અવસરે દ્વારકા ,વડોદરા, ભરૂચ,સુરત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડ્યાં હતાં.
શ્રદ્ધાળુઓએ સૌ પ્રથમ પવિત્ર નર્મદા નદીમાં આસ્થાભેર સ્નાન કર્યું હતું.ત્યારબાદ વ્યાસેશ્વર મહાદેવ ના દર્શન – પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.મંદિર ખાતે યોજાયેલી મહાપ્રસાદી નો લાભ લઈ ભક્તોએ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી.
વ્યાસબેટ ને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે મંદિર પરિસરમાં સંરક્ષણ દિવાલ, સંડાસ-બાથરૂમ, ચેન્જિંગ રૂમ તેમજ મંદિરની ફરતે કોટા પથ્થર બિછાવવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે યાત્રાળુઓને ભવિષ્યમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
જોકે, બરકાલ ગામથી વ્યાસબેટ સુધી યોગ્ય માર્ગની સુવિધા ન હોવાના કારણે શ્રદ્ધાળુઓ અને પરિક્રમાવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત રાત્રિ રોકાણ માટે હોલની સુવિધાનો અભાવ હોવાથી નર્મદા પરિક્રમા માટે આવતા યાત્રિકોને અગવડતા ભોગવવી પડે છે.
આ સાથે જ મંદિર પરિસરમાં આવેલ ટ્યુબવેલ જર્જરિત હાલતમાં હોવાથી શુદ્ધ પીવાના પાણીની સમસ્યા પણ સર્જાઈ રહી છે. તેથી મોટી પાણીની ટાંકી સહિતની આવશ્યક સુવિધાઓ ઉભી કરવા અને માર્ગ સહિતના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા સરકારી તંત્ર જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ઉઠી છે.




