GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ ગ્રામીણમાં હાઇપરટેન્શનના ૫૫૯૧ અને ડાયાબીટીસના ૪૨૫૨ દર્દીઓ શોધાયા

તા.૩/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

નોન-કોમ્યુનિકેબલ ડીસીઝ પ્રોગ્રામ હેઠળ સ્પેશિયલ મેગા ડ્રાઇવ યોજાઈ : બંને રોગ ધરાવતા ૨૧૧૪ દર્દીઓ

Rajkot: ભારતમાં દર વર્ષે નોન કોમ્યુનિકેબલ ડીસીઝના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારના રોગોનું સમયસર નિદાન થાય, તે હેતુસર હીડન કેસ શોધવા ખાસ મેગા ડ્રાઇવ કેમ્પેઇન તા. ૨૦ ફેબ્રુઆરીથી તા. ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી કાર્યરત હતું. આ રાષ્ટ્રીય કાર્યક્રમ અન્વયે ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત રાજકોટ જિલ્લામાં પ્રશંસનીય કામગીરી થઈ છે.

રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોષી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદના નેતૃત્વમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. આર. આર. ફુલમાલીના માર્ગદર્શન મુજબ નોન-કોમ્યુનિકેબલ ડીસીઝ પ્રોગ્રામ હેઠળ સ્પેશિયલ મેગા ડ્રાઇવ કેમ્પેઇનની કામગીરી કરાઈ છે. રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં હાઇપરટેન્શન (બી.પી.)ના કુલ ૧,૯૪,૧૨૨ લોકો અને ડાયાબીટીસના કુલ ૧,૯૨,૨૬૯ લોકોનું સ્કીનિંગ કરાયું હતું. જેમાંથી કુલ ૫૫૯૧ લોકો હાઇપરટેન્શન અને કુલ ૪૨૫૨ લોકો ડાયાબીટીસ ધરાવે છે અને આ બંને રોગ હોય, તેવા ૨૧૧૪ નવા દર્દીઓ શોધાયા છે. જે પૈકી હાઇપરટેન્શનના કુલ ૪૩૮૧ લોકો અને ડાયાબીટીસના કુલ ૩૪૫૨ લોકો અને બંને બીમારી હોય તેવા ૧૮૯૩ દર્દીઓની સારવાર શરૂ કરાઈ છે અને અન્ય દર્દીઓની સારવાર શરૂ કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

આ સઘન ઝુંબેશ દરમિયાન બિનચેપી રોગના ઝડપી નિદાન માટે કેમ્પ, ત્વરિત સારવાર, લોકજાગૃતિ માટે શિબિર, પત્રિકા વિતરણ, બેનર-હોર્ડિંગ્સ લગાવવા વગેરે કામગીરી કરાઈ છે. તેમજ વિવિધ આરોગ્ય સંસ્થા ખાતે ૩૦ વર્ષથી વધુ વયના નાગરિકોને વિના મૂલ્યે ડાયાબીટીસ, બ્લડપ્રેશર અને કેન્સરની પ્રાથમિક તપાસ કરાઈ છે. ત્યારે આરોગ્ય સેવાઓનો લાભ લેવા જાહેર જનતાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની યાદીમાં અનુરોધ કરાયો છે.

Back to top button
error: Content is protected !!