

ફૈઝ ખત્રી…શિનોર
શિનોર મુકામે ગોપાલ કોટન જીનના વિશાળ મેદાનમાં વસાવા સમાજનો ત્રીજો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે કુલ 21 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડીને નવા જીવનની શરૂઆત કરી હતી.
આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે શિનોર વસાવા હિત રક્ષક સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. દાતાઓના સહયોગ અને સમાજના આગેવાનોના યોગદાનથી સમગ્ર કાર્યક્રમ સુચારૂ રીતે સંપન્ન થયો હતો.
સમારોહ દરમિયાન ઉપસ્થિત સાધુ-સંતો તથા સમાજના આગેવાનો દ્વારા નવદંપતિઓને આશીર્વચન આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સામાજિક એકતા અને સહકારનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું.
સમિતિના અશોક વસાવા સહિતના સભ્યો છેલ્લા બે વર્ષથી આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરી રહ્યા છે. તેમનો મુખ્ય હેતુ સમાજને અનાવશ્યક ખર્ચમાંથી બચાવવાનો તથા ગરીબ પરિવારોને લગ્નના ખર્ચમાંથી રાહત આપવાનો છે.
આ વર્ષે પણ ગામના આગેવાન સચિન પટેલે ભોજન, મંડપ અને પોતાના જીનનું વિશાળ મેદાન ઉપલબ્ધ કરાવી મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.




