

ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના બીથલી ગામે તળાવની પાળના બ્યુટીફિકેશનનું કામ હાલમાં ચાલી રહ્યું છે. પરંતુ કામની શરૂઆતથી જ ગ્રામજનોએ કામગીરીની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર બાંધકામમાં ધોરણ મુજબનું મટીરીયલ વપરાતું નથી અને હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે વિકાસ કામની ટકાઉપણું અને ગુણવત્તા સામે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
આક્ષેપોને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો કામના સ્થળે દોડી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટર સમક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે સરકારી ગ્રાન્ટમાંથી થતું વિકાસ કામ પારદર્શક અને ગુણવત્તાયુક્ત હોવું જોઈએ, પરંતુ અહીં શરૂઆતથી જ ગેરરીતિની આશંકા જોવા મળી રહી છે.
ગ્રામજનોએ સંબંધિત વિભાગના અધિકારીઓને સ્થળ પર પહોંચી તપાસ કરવા, વપરાતા મટીરીયલના નમૂનાઓની ચકાસણી કરવા તેમજ જો કોઈ પ્રકારની અનિયમિતતા સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.


