ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેગણી ગામમાં 10 વર્ષથી પાણીની તંગી યથાવત, કલેક્ટરને આપ્યું આક્રોશભર્યું આવેદનપત્ર
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ વાગરા તાલુકાના વેગણી ગામે છેલ્લા દસ વર્ષથી પાણીની તંગી હજી પણ યથાવત છે. ગ્રામજનોએ અનેક વાર રજૂઆત છતાં સમસ્યાનું સમાધાન ન થતાં હવે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક પાણી વ્યવસ્થા કરવા માંગ ઊઠાવી છે.ગ્રામજનોએ જણાવ્યું હતું કે, પીએચસી સ્કીમ અને પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ હોવા છતાં ગામમાં પીવાનું પાણી મળી રહ્યું નથી. તંત્ર દ્વારા વારંવાર આશ્વાસનો આપવામાં આવ્યા છે, પરંતુ કાર્યવાહી શૂન્ય છે.હાલત તો એવી છે કે, થોડા દિવસ અગાઉ પાણીની તંગીથી પરેશાન થયેલા ગ્રામજનોએ જીઆઇડીસીથી પસાર થતી પાઇપલાઇનમાં છિદ્ર કરી પાણી લેવા પ્રયાસ કર્યો હતો, પણ તેમને તંત્ર દ્વારા અટકાવવામાં આવ્યા હતા.આ અગાઉ પણ ગ્રામજનોએ આત્મવિલોપનની ચીમકી સાથે વિરોધ નોંધાવ્યો હતો, તેમ છતાં કોઈ પરિણામ આવ્યું નથી. “અમે ધારાસભ્યથી લઇ તાલુકા પંચાયત સુધી અવિરત રજૂઆતો કરી છે, પણ દસ વર્ષથી પાણી માટે અમે વલખા મારી રહ્યા છીએ,” આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું.ગામના લોકોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.