વલસાડ: પ્રગટેશ્વર ધામ-આછવણીના ધર્માચાર્ય પરભુદાદાના ૮૬મા જન્મદિવસની પીપલનારે ખાતે ભવ્ય ઉજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માચાર્ય પરભુદાદાના ૮૬મા જન્મ દિવસની ઉજવણી નાસિક જિલ્લાના પીપલનારે ગામે ધર્મ, ભક્તિ અને સમર્પણના ભાવથી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના ગાડગે શિવ પરિવારના આયોજન હેઠળ આ ધર્મમય ઉત્સવની શરુઆત એકકુંડી નવચંડી યજ્ઞથી કરવામાં આવી હતી. ભૂદેવો કશ્યપભાઇ જાની, અનિલભાઇ જોષી અને હરેશભાઇ જાનીએ વેદમંત્રોચ્ચારથી યજ્ઞવિધિ સંપન્ન કરાવી હતી. આ ઉપરાંત શિવ મંદિરમાં અભિષેક કરી ગુરુદેવના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગામની પાવન ભૂમિ પરથી એક શોભાયાત્રા નિકળી હતી, જેમાં વિવિધ ઢોલ-નગારા સાથે શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. સ્થાનિક જનતાએ વિવિધ સ્થળે શોભાયાત્રાનું હાર્દિક સ્વાગત કર્યું અને પુષ્પવૃષ્ટિથી દાદાની અર્પણપૂર્વક વધામણી કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં શિવ પરિવારના ભક્તો હાજર રહ્યા હતા. શિવભક્તોએ દાદાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી, પદવંદના કરી અને ભેટસોગાદ અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે વારકરી સમાજ અગ્રણી એકનાથ મહારાજ ગોળેના અધ્યક્ષસ્થાને દ્વારા ભજન-કીર્તનનું આયોજન થયું હતું. તેમની સમગ્ર ટીમે હરિપાઠના પદો ગાઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું.
આ અવસરે ધર્માચાર્ય પરભુદાદાએ જન્મ દિવસની શુભકામનાઓ પાઠવાનારા સૌનો આભાર વ્યક્ત કરી સૌને જીવનમાં શાંતિ, સદાચાર અને નમ્રતાથી જીવવા માટે પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે, મારે કોઇ ભેટ સોગાદો જોઇતી નથી, કોઇપણ કાર્યક્રમમાં મને વસ્તુ કે રોકડ ભેટ આપવાની જરૂર નથી. મા-બાપની નિઃસાર્થ સેવા કરો અને કોઇની સાથે લડાઇ-ઝગડા ન કરો તે મારા માટે અણમોલ ભેટ છે. જ્યાં ભાવના હોય ત્યાં ભગવાન અવશ્ય આવે છે. જેના ઉપર સંતો મહંતો અને પિતૃઓની કૃપા હોય અને સેવા અને સાધનાનાં માર્ગે જે ભક્તો અવિરત ચાલે છે, એજ જીવનને સફળ બનાવે છે. આજના કાર્યક્રમના આયોજક ગાડગે બાબાના શ્રદ્ધા અને વિશ્વાસને બિરદાવ્યા હતા.
પ્રગટેશ્વર સેવા સમિતિ પ્રમુખ બીપીનભાઇ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્રના તમામ શિવપરિવારને શ્રીપ્રભુએ દાદા સ્વરૂપે ઉત્તમ સંત આપ્યા છે એ ભગવાન શિવજીની અનહદ કૃપા છે. પૂજ્ય દાદાશ્રીએ તેમના જીવનકાળ દરમિયાન શૈક્ષણિક અને સામાજિક પાસાઓને મળીને એક બહુઆયામી વ્યક્તિત્વને ઉજાગર કર્યું છે. બાળપણથી જ <span;>જેમનો ધ્યેય સેવા અને સત્ય રહ્યો છે, એવા શિવભક્ત પ.પૂ. દાદાશ્રી આજે તેમના જીવનના ૮૬ વર્ષમાં મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. તેમની જીવનયાત્રામાં તેઓનું આરોગ્ય સારું રહે, દીર્ઘાયુ બને અને તેઓની સમાજ સેવા સદા ચાલુ રહે એવી શુભકામનાઓ પાઠવી હતી.
પ્રગટેશ્વર સેવા સમિતિ મહારાષ્ટ્ર પ્રમુખ આર.કે. ખાંદવેએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું સમગ્ર કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપ્યો હતો. તેમણે ધર્માચાર્ય સ્વામીજીના દીર્ધાયુની પ્રાર્થના કરી હતી. તેમના જીવનમાં ગુરુરૂપે તેઓ મળ્યા છે, તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિરતા મહંતે પણ વિશેષ ઉપસ્થિત રહી ધર્માચાર્ય પરભુદાદાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.
પ્રગટેશ્વર સેવા સમિતિ મહિલા પ્રમુખ સીતાબેન પટેલે ધર્માચાર્ય પરભુદાદાએ કરેલા સેવાકીય કર્યો તેમજ તેમના જીવનમાં બનેલી અવિસ્મરણીય ઘટનાઓનું વર્ણન કર્યું હતું. જન્મ
દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે, તે અંગે સમજણ આપતાં જણાવ્યું હતું કે, આપણે નાના હોઇએ ત્યારે આપણા જન્મ દિવસની ઉજવણી માતા-પિતા કરે છે, જેમાં આપણા સગાં-સંબંધીઓ જ સામેલ હોય છે. જેમણે સમાજ, જગત માટે પોતાનું જીવન દાન કરી દીધું છે એવા મહાન આત્મા સંતસ્વરૂપનો જન્મ દિવસ ઉત્સવમાં પરિવર્તિત થઇ જાય છે, જેની ઉજવણી જાહેરમાં કરવામાં આવે છે.
પ્રગટેશ્વર સેવા સમિતિના શિવભક્ત ઇલાબેન પરમારે ધર્માચાર્ય પરભુદાદાના જન્મ દિવસને લગતું સ્વરચિત ભજન રજૂ કર્યું હતું. અપ્પુભાઇ પટેલ અને ઉષાબેન પટેલે પણ જન્મ દિવસના ગીતો રજૂ કર્યા હતા.
સમાપન બાદ મહાપ્રસાદનું વિતરણ થયું હતું અને સર્વ ભક્તોએ દાદાની આજ્ઞાને અનુસરીને જીવનમાં ધાર્મિક અને સંસ્કારમય જીવન જીવવાની પ્રેરણા મેળવી હતી.
આ શુભ અવસરે પ્રગટેશ્વર સેવા સમિતિ ગુજરાત પ્રમુખ બીપીનભાઈ પરમાર, મહારાષ્ટ્ર પ્રમુખ આર.કે.ખાંદવે, મંત્રી હેમંતભાઈ પટેલ, ખજાનચી અમિતભાઈ પટેલ, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ, ગ્રામ અગ્રણીઓ સહિત શિવ પરિવારના અપ્પુભાઈ પટેલ, વિપુલભાઈ પંચાલ, પ્રવિણભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, પ્રતિકભાઇ લાડ, જીતેનભાઈ જોશી, સમગ્ર ગાડગે પરિવાર તેમજ ગુજરાત મહારાષ્ટ્ર શિવ પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા.