વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીના હસ્તે શ્રીમદ્ રાજચંદ્રજીના ચિત્રપટનું પૂજન કરાવી 70 થી વધુ સ્થાનિકો ધન્ય થયા*
વલસાડ ધરમપુર: તા. ૦૨ એપ્રિલ–ભારતના મહાન સંત શ્રીમદ્ રાજચંદ્રજી 125 વર્ષ પૂર્વે ધરમપુરમાં પધાર્યા હતા અને ૩૫ દિવસ અહીં રહ્યા હતા. ધરમપુરની જે મોહનગઢ ટેકરી પર તેઓશ્રીએ સાધના કરી હતી, આજે ત્યાં જ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ છે, જે તેઓશ્રીના પરમ ભક્ત પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજી સંસ્થાપિત શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનું આંતરરાષ્ટ્રીય મુખ્યમથક છે. 125 વર્ષ પહેલાં શ્રીમદ્ રાજચંદ્રજી ધરમપુરની ધરાને પાવન કરી અહીં લોકકલ્યાણના બીજની રોપણી કરી ગયા હતા. પૂજ્ય ગુરુદેવશ્રીએ એમાં પ્રેમભર્યું સિંચન કર્યું અને પરિણામે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર થકી વર્તમાન અને ભવિષ્યની પેઢીઓના ઉત્કર્ષ માટે આરોગ્ય, શિક્ષણ, રોજગાર આદિ ક્ષેત્રે ઉચ્ચ કોટિની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને મિશન પોતાનું સ્ટેટમેન્ટ “પોતાનું સત્ય સ્વરૂપ ઓળખો અને અન્યની નિષ્કામ સેવા કરો”ને ચરિતાર્થ કરી રહયું છે.
અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીની ધરમપુરમાં પધરામણીના 125 વર્ષ થવાના અવસરે વિશ્વભરમાંથી આવેલ હજારો ભાવિકોએ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં ‘શ્રીમદ્ રાજચંદ્રજી પધરામણી અષ્ટાહ્નિકા મહોત્સવ’ની ભવ્ય ઉજવણી કરી હતી. આ પવિત્ર અવસર નિમિત્તે અગાઉ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે ખાસ ધરમપુરવાસીઓને સત્સંગનો લાભ આપ્યો હતો, જેમાં ધરમપુરવાસીઓ ખુબ ઉત્સાહથી જોડાયા હતા.
<span;>શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સેવા કાર્યોમાં છેલ્લા પાંચ વર્ષથી જોડાયેલા ધરમપુરના સેવાભાવી યુવાન હરદીપસિંહ રાવલજીએ અનેકવાર પોતાના નિવાસસ્થાને શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિષ્ઠા કરાવવાની વિનંતી કરી હતી. ધરમપુરના અન્ય અનેક સ્થાનિકોએ પણ અવારનવાર શ્રીમદ્ રાજચંદ્રજીના ચિત્રપટની સ્થાપના કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેઓની આ પ્રેમભરી વિનંતીને માન આપી પૂ. ગુરુદેવશ્રી રાકેશજી સમડીચોક વિસ્તાર ખાતે પધાર્યા હતા. અહીં તેઓશ્રી ઉપર પુષ્પવર્ષા કરી વધાવવામાં આવ્યા હતા. હરદીપસિંહ તથા તેમના પરિવારે પૂજ્ય ગુરુદેવશ્રીને તિલક કરી સ્વાગત કર્યું હતું અને સમડીચોક યુવક મંડળે પૂજ્ય ગુરુદેવશ્રીનું પુષ્પમાળા સાથે બહુમાન કર્યુ હતું. આ પાવન અવસરે 70 જેટલા પરિવારોએ સ્ટેજ ઉપર આવી પૂજ્ય ગુરુદેવશ્રીના હસ્તે પૂજન થયેલ શ્રીમદ્ રાજચંદ્રજીના ચિત્રપટ મેળવી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ હરદીપસિંહના નિવાસસ્થાને પૂ. ગુરુદેવશ્રી રાકેશજીના કરકમળથી ભગવાન મહાવીરની પ્રતિમાજી અને પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાજી તથા ચરણકમળની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ સામુહિક પ્રતિષ્ઠાના પ્રસંગને શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના દીક્ષિત બ્રહ્મચારી ભાઈઓ અને ટ્રસ્ટીઓ તેમજ મોટી સંખ્યામાં ધરમપુરના નગરજનોએ ભાવવાહી ભક્તિ કરી ઉજવ્યો હતો.