VALSADVALSAD CITY / TALUKO

વલસાડ: ચોમાસા દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ વાવણી પહેલા અને પછી શું સંભાળ લેવી તે જાણવુ જરૂરી

વાત્સલ્યમ સમાચાર
     મદન વૈષ્ણવ

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની મહત્વની માર્ગદર્શિકા આપવામાં આવી

વણી પહેલા જમીનની સંભાળ લો અને કુદરત સાથે સહકાર સ્થાપિત કરો. સચોટ તૈયારી એ જ સફળ પાકનો ભરોસોઃ ડી.એન. પટેલ

પ્રાકૃતિક ખેતીમાં સંતુલિત ભેજ, સમયસર નિરિક્ષણ એ સફળ પાકની કુદરતી મહત્વની ચાવી છેઃ વિમલ પટેલ

પ્રાકૃતિક ખેતી ધરતી માતા અને મનુષ્યના સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે. પ્રાકૃતિક ખેતીની વિચારધારા કુદરતની સાથે રહી પ્રવર્તમાન પેઢીની જરૂરીયાતો પૂરી કરવાની સાથે જળ, જમીન અને વાતાવરણ જેવા પ્રાકૃતિક સ્ત્રોતોની દેખભાળ, જાળવણી અને સંવર્ધન ઉપર ભાર મુકે છે. હાલ ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે જગતનો તાત ખેતી કામમાં જોડાયો છે. વલસાડ જિલ્લાના બહુધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે મહત્વના ગણાતા આ સમયમાં વાવણી પહેલા શું સંભાળ લેવી અને વાવણી બાદ શું સંભાળ લેવી તે જાણવુ અગત્યનું થઈ પડે છે. જે અંગે વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા ખેડૂત ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે આપણી ભાવિ પેઢીને સ્વચ્છ અને સુંદર વારસો આપી શકીએ છે અન તે માટે આ પ્રાકૃતિક વારસાના જતનની જરૂરત છે. જે અંગે વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટના ડાયરેકટર ડી.એન. પટેલ જણાવે છે કે, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ચોમાસા દરમિયાન ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની કેટલીક મહત્વની માર્ગદર્શિકા આપવામાં આવી છે. જે મુજબ વાવણી પહેલા જમીનની સંભાળ લો અને કુદરત સાથે સહકાર સ્થાપિત કરો. સચોટ તૈયારી એ જ સફળ પાકનો ભરોસો છે. જે માટે જમીન તૈયાર કરવામાં સમજદારી રાખવી જરૂરી છે. ઉંડી ખેડ ટાળો, માત્ર હળવી ખેડ કરો. ઘનજીવામૃત નાંખી માટીને સજીવ બનાવો. યોગ્ય પાક અને બીજ પંસદ કરો. સ્થાનિક દેશી અને રોગમુક્ત જાતો પસંદ કરો. પાકની જીવંત શરૂઆત માટે બીજને બીજામૃતથી સંસ્કારીત કરો. આચ્છાદન માટે સામગ્રી તૈયાર કરો. ઘાસ, સૂકા પાંદડા અને પાક અવષેશો ભેગા કરો. વાવણી બાદ તરત જ આચ્છાદન કરો અને ભેજ તેમજ તાપમાન જાળવી રાખો. બાયો ઈનપુટ્સ તૈયાર રાખો. જીવામૃત, નિમાસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર વગેરે પહેલાથી બનાવી રાખો. જરૂર પડે ત્યારે તુરંત ઉપયોગ કરો. માટી એ જીવંત તંત્ર છે. જેથી કૃત્રિમ દવા અને રાસાયણિક ખાતરને ટાળો. મિશ્રપાક પધ્ધતિ અપનાવવાની ખેતીમાં સહયોગ મળશે અને સાથે સરંક્ષણ પણ મળશે. સ્વસ્થ જમીન અને સ્વસ્થ પાક એ સુખી ખેડૂતની નિશાની છે. વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી ડાયરેકટર વિમલ પટેલે જણાવ્યું કે, સંતુલિત ભેજ, સમયસર નિરિક્ષણ એ સફળ પાકની કુદરતી ચાવી છે. જેથી ઉગાવા પર નજર રાખો. વાવણી પછી ૩-૭ દિવસમાં બીજ ઉગે છે કે નહી તે તપાસો. નબળા છોડ દેખાય તો જીવામૃતનો છંટકાવ કરો. ભેજ જાળવો અને રોજ વાપ્સા તપાસો. ખેતરમાં ભેજનું સ્તર નિત્ય પરીક્ષણ કરો. જરૂર જણાય ત્યાં મન્ચિંગ (આચ્છાદન) વધારવું. નિંદામણ નિયંત્રણ માટે દાતરડા, ખુરપી અથવા પરબડી વડે નિંદામણ દૂર કરો, યોગ્ય રીતે આચ્છાદન કરો જેથી નવા નિંદામણ ઉગતાં અટકે છે. સમયસર પગલા લો. રોગ/જીવાત જોવા મળતા પહેલા પણ તૈયાર રહો. કુદરતી પધ્ધતિથી સમયસર નિયંત્રણ કરો. દરરોજની દેખરેખ એ પાકને આપે સુરક્ષાનું વચન. આમ, ચોમાસા દરમિયાન ખેડૂતો ઉપરોક્ત વાતનું વિશેષ ધ્યાન રાખે તો તેઓ પણ પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતોની જેમ આર્થિક સમૃધ્ધિનો માર્ગ અપનાવી શકે છે.

Back to top button
error: Content is protected !!