VALSADVAPI

Vapi : વાપીમાં ડેંગ્યુના ૮૧ શંકાસ્પદ કેસ જોવા મળ્યા, જેમાંથી ૧૬ પોઝિટિવ નીકળ્યા

— હાલમાં પણ ડોર ટુ ડોર સર્વેલન્સ, ફોગીંગ અને માઈક પ્રચાર દ્વારા લોકોને જાગૃત્ત કરાઈ રહ્યા છે

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૫ ઓક્ટોબર

વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ખાસ કરીને ચલા, ગીતાનગર, વાલ્મિકી નગર, ડુંગરા, સુલપડ. છીરી અને છરવાડા વિસ્તારમાં ડેંગ્યુના કેસોને અટકાવવા માટે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે વાપીમાં આગળ વધતા જતા ડેંગ્યુના કહેરને અટકાવવામાં સફળતા મળી છે.

ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ભરાવો થતા મચ્છરોનું પ્રમાણ વધવાથી મેલેરિયા, ડેંગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં વધારો જોવા મળતો હોય છે. ગત સપ્ટેમ્બર માસમાં વાપીના વિવિધ વિસ્તારોમાં ડેંગ્યુના કેસનું પ્રમાણ વધ્યુ હતું. જેથી વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીની સૂચના અને નિર્દેશ અનુસાર વાપીના અસરગ્રસ્ત વિસ્તારોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.પી.પટેલ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિપુલ ગામીતના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ખાતાની ટીમનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જે અંગે માહિતી આપતી જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિરેન પટેલે જણાવ્યું કે, તા. ૨૪ જુલાઈ ૨૦૨૩ના રોજથી વાપીમાં હાજર સ્ટાફ સિવાય વધુ ૧૬ કર્મચારીઓને ડેપ્યુટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ વધુ ૫૦ કર્મચારીઓને મુકવામાં આવ્યા હતા. આ સિવાય ૮ નવા સુપરવાઈઝર, ૩ વેક્ટર કંટ્રોલ ટીમ એક ટીમમાં ૫ કર્મી એમ ૧૫ કર્મીઓ અને ૨ મેનેજર ટેકનિકલ સુપરવાઈઝરને મુકી ખાસ ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી હતી. આ સમગ્ર આરોગ્ય કર્મીઓ દ્વારા સપ્ટેમ્બર માસ દરમિયાન વાપીના અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘર, દુકાન, સ્કૂલ અને બાંધકામ સાઈટ સહિત ૭૩ હજાર મકાનોમાં મચ્છર ઉત્પતિ સ્થાનોની સઘન તપાસ કરી કુલ ૩૬૫૦૦૦ વસ્તીને આવરી લેવામાં આવી હતી. વાહકજન્ય રોગોને અટકાવવા માટે ડોર ટુ ડોર તપાસમાં ૫૬૩૮ મચ્છર ઉત્પત્તિના સ્થાનો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. તમામ રહેણાંક વિસ્તારમાં રોજ ફોગીંગ પણ કરવામાં આવ્યુ હતું.

વલસાડ જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં ડેંગ્યુના કુલ ૩૬૯ કેસ જોવા મળ્યા હતા, જેમાંથી ૩૦ કેસ પોઝિટિવ હતા. જે પૈકી વાપીમાં છેલ્લા એક મહિનામાં ડેંગ્યુના ૮૧ શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા, જેઓના લોહીની તપાસ કરાવતા ૧૬ કેસ પોઝિટિવ મળી આવ્યા હતા. જેમાંથી ૨ કેસ સ્થળાંતર વાળા હતા. વાપીમાં છેલ્લા એક માસ સુધી યુધ્ધના ધોરણે કામગીરી થતા ડેંગ્યુના કેસને વધતા અટકાવવામાં સફળતા મળી છે. હવે એકલ દોકલ કેસ જોવા મળી રહ્યા છે. તેમ છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા માઈક પ્રચાર અને ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે.

ડો. વિરેન પટેલે વધુમાં જણાવ્યું કે, ઠંડી લાગીને તાવ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં અવશ્ય સારવાર માટે જવુ, બિનજરૂરી પાણીનો નિકાલ કરવો, મચ્છરના ઉત્પત્તિના સ્થાન શોધી તેનો નાશ કરવા માટે આરોગ્ય કેન્દ્રમાંથી ગપ્પી માછલી લાવવી, બળેલુ ઓઈલ નાંખવુ અને મચ્છરદાનીનો ઉપયોગ કરવા સહિતની કામગીરી કરવી જોઈએ. તંત્ર દ્વારા વાપી ખાતે સમયાંતરે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગામ હેઠળ મીટિંગોનું આયોજન કરી કેસની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે. જેથી ડેંગ્યુને નાથવામાં સફળતા મળી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!