વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયત માટે સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.ત્યારે ડાંગ જિલ્લામાં ૪૨ ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પ્રસારના પડઘમ શાંત પડ્યા છે. ડાંગ જિલ્લામાં સામાન્ય/વિભાજન/મધ્ય સત્ર/તથા પેટા ચૂંટણી માટેનુ મતદાન તા.૨૨/૬/ર૦૨૫ ના રોજ સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી યોજાનાર છે.જે માટે જિલ્લાના કુલ ૬૨,૭૮૯ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં ૧૬ ગ્રામ પંચાયત સંપુર્ણ બિનહરીફ થયેલ છે. જેમાં હવે કુલ ૪૨ ગ્રામ પંચાયતોમાં આહવા તાલુકામાં ૧૩ સરપંચ માટેની ચૂંટણી, તેમજ વઘઇ તાલુકામાં ૧૨ અને સુબીર તાલુકામાં ૧૨ મળી કુલ ૩૭ સરપંચ માટેની ચૂંટણી યોજનાર છે. તેવી જ રીતના આહવા તાલુકામાં ૭૯ વોર્ડ સભ્યો, વઘઇ તાલુકામાં ૭૦ વોર્ડ સભ્યો, અને સુબીર તાલુકામાં ૮૫ વોર્ડ સભ્યો મળી કુલ ૨૩૪ વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાનાર છે. જે માટે જિલ્લામાં કુલ ૧૨૭ મતદાન મથકો ઉભા કરવામાં આવેલ છે. આ સમગ્ર ચૂંટણી પારદર્શી અને ન્યાયી તથા નિસ્પક્ષ વાતાવરણાં સપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ સંપુર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. આ ચૂંટણીમાં ૧૬ ચૂંટણી અધિકારીઓ, ૬૮૦ પોલિંગ સ્ટાફ, તેમજ ૨૯૧ પોલીસ સ્ટાફ ગોઠવી દેવામાં આવેલ છે. તેમજ ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પ્રસાર માટેનો સમય પણ પૂર્ણ થઈ જવા પામ્યો છે.જેથી ડાંગ જિલ્લામાં ચૂંટણીના પ્રચાર પ્રસારના પડઘમ શાંત પડ્યા છે.



