વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાની ભાતિગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ જિલ્લાના ‘પોતિકા’ ઉત્સવ એવા ‘ડાંગ દરબાર-૨૦૨૫’ ના ભાતિગળ લોકમેળાનુ આજે સમાપન થયુ છે.
ડાંગના માજી રાજવીશ્રીઓના યથોચિત સન્માન સાથે તા.૯ થી તા.૧૨ માર્ચ દરમિયાન, ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે, ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાત પ્રવાસન નિગમના સહયોગ સાથે, આ ભાતિગળ લોકમેળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે ગત તારીખ ૯મી માર્ચના રોજ મેળાનો પ્રારંભ થયો હતો. આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વિગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ‘ડાંગ દરબાર’ની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા મંત્રી શ્રી હળપતિએ રાજા, રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા, ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શુરવિરતા, શૌર્યગાથા, અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે, તેમ જણાવ્યું હતુ.
વર્ષ ૨૦૨૫ના ‘ડાંગ દરબાર’ ના આ ભાતિગળ લોકમેળામા રાજવી પરિવારોને રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૬૭ લાખ, ૧૫ હજાર, ૭૧૬નુ વાર્ષિક સાલિયાણુ પણ ચુકવવામા આવ્યુ હતુ.
‘ડાંગ દરબાર’ ના ઐતિહાસિક લોકમેળામા ઉમટતી જનમેદની, રાહદારીઓ, વેપારીઓ વિગેરેની સરળતા માટે, ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી રાજ સુથારના માર્ગદર્શન હેઠળ વિવિધ સમિતિઓની રચના કરવામા આવી હતી. આહવા ખાતે આયોજીત આ મેળામા રંગ ઉપવનના રંગમંચ ઉપર સતત ચાર ચાર દિવસો સુધી જિલ્લા, રાજ્ય, અને રાજ્ય બહારની કુલ ૫૫ થી વધુ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિઓ રજુ થઇ હતી. ડાંગના દરબારીઓએ આ કૃતિઓને મનભરીને માણી હતી.
લોકોના મનોરંજન માટે મેળામા વિવિધ રાઇડ્સનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ડાંગ કલેક્ટર શ્રી રાજ સુથાર, અધિક નિવાસી કલેક્ટર શ્રી શિવાજી તબીયાર, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલીયા સહિતના અધિકારીશ્રીઓના સીધા માર્ગદર્શન હેઠળ, મનોરંજન રાઇડ્સ પાસે કોઇ અનિચ્છિનીય બનાવ ન બને તે માટે ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામા આવી હતી. જેમા ફાયર એક્ઝીક્યુટર, રેતી/માટીની ડોલ, પાણીના ડ્રમ તથા મેળા દરમિયાન આગના બનાવો ન બને તે માટે પુરતી સાવચેતી અને કાળજી રાખવામા આવી હતી.
આ સાથે જ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ, નાયબ જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી એસ.જી.પાટીલ, શ્રી જયદીપ સરવૈયા સહિતના અધિકારીશ્રીઓ સહિત તેઓની સમગ્ર ટીમ દ્વારા, ‘ડાંગ દરબાર’ના મેળામા સુચારૂ આયોજન માટે ટ્રાફિક વ્યવસ્થાઓ ગોઠવવામા આવી હતી. જેમા મેળામા આવતા લોકોને તકલીફ ન પડે તે માટે ૭ પોલીસ ઇન્સપેક્ટર, ૧૪ પોલીસ સબ ઇન્સપેક્ટર, ૧૨૫ જેટલા પોલીસ કર્મીઓ સહિત ૬૫૦થી વધુ હોમગાર્ડ અને જી.આર.ડી જવાનો સુરક્ષા માટે તૈનાત કરાયા હતા. આ સાથે જ પોલીસ ની SHE ટીમ પણ તૈનાત કરવામા આવી હતી. જેઓએ લોકોને ફોજદારીના નવા કાયદા, સાયબર અવેરનેસ અને નશામુક્તિ અભિયાન અંગેની સતત જાણકારી પુરી પાડી હતી.
ઉપરાંત મેળા દરમિયાન વિવિધ સખી મંડળના કુલ ૪૨ થી સ્ટોલ્સ પણ પ્રદર્શિત કરવામા આવ્યા હતા. જેમા મહિલાઓએ પ્રાકૃતિક ખેત પેદાશોનુ વેચાણ કર્યું હતુ. આ સાથે જ મેળા દરમિયાન મેડિકલ સુવિધાઓ, સફાઇ અને સૅનિટેશન, પીવાના પાણીની વ્યવસ્થા, સ્ટેજ-મંડપ અને બેઠક વ્યવસ્થા વિગેરે પણ ઉત્કૃષ્ટ રીતે ગોઠવવામા આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના પ્રજાજનોમા અદકેરું સ્થાન મેળવનારા રાજવીશ્રીઓનુ ‘ડાંગ દરબાર’ના મેળા દરમિયાન ઐતિહાસિક પોલિટિકલ પેન્શન એનાયત કરવા સાથે, તેમનુ પરંપરાગત રીતે સ્વાગત/અભિવાદન કરવામા તેમજ મેળામા આવતા લોકોને તમામ વ્યવસ્થાઓ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી રાજ સુથાર, જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, નાયબ વન સરંક્ષક સર્વશ્રી રવિ પ્રસાદ, અને દિનેશ રબારી, પ્રાયોજના વહિવટદાર શ્રી આંનદ પાટીલ, અધિક નિવાસી કલેક્ટર શ્રી એસ.ડી.તબીયાર, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલીયા,
નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ સહિતના ઉચ્ચાધિકારીઓ તેમજ વિવિધ સમિતિના સભ્યોએ, ‘ડાંગ દરબાર’ મેળાના સફળ આયોજનમા મહત્વપુર્ણ ભૂમિકા અદા કરી હતી.