BHUJGUJARATKUTCH

વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસઃ શિક્ષણ એ બાળકનો જન્મસિદ્ધ અધિકાર,આવો બાળ મજૂરી અટકાવીએ.

કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૧૩ બાળકોને મજૂરીમાંથી મુક્ત કરાવી જવાબદારો સામે પગલા ભરાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

કચ્છમાં છેલ્લા એક વર્ષમાં ૩૫ રેડ કરી ૦૫ બાળ શ્રમિકો અને ૦૮ તરૂણ શ્રમિકોને મુક્ત કરાયા.

ગત એક વર્ષમાં દોષિતો સામે ૫ ફોજદારી કેસ અને ૦૭ એફ.આઈ.આર. નોંધવામાં આવી.

ભુજ,તા-૧૧ જૂન :  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના મતે ‘‘શિક્ષણ એ બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે’’ પરંતુ જ્યારે બાળક શાળાના વર્ગખંડના બદલે કારખાનાની ભઠ્ઠી કે કોઈ ચાની ટપરી ઉપર જોવા મળે ત્યારે તેનું ભવિષ્ય જોખમાય છે.‌ સરકાર આ બાબતની ગંભીરતાને સમજીને બાળ મજૂરીની સમસ્યાને સમાપ્ત કરવા માટે અનેક પગલાં લઈ રહી છે. ભારતીય બંધારણની કલમ – ૨૩માં જોખમી ઉદ્યોગોમાં બાળકોને મજૂરી માટે રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. જે અંતર્ગત કચ્છ જિલ્લામાં બાળ મજૂરીના દૂષણને નાથવા માટે શ્રમ આયુક્તની કચેરી દ્વારા છેલ્લા એક વર્ષમાં ૩૫ રેડ પાડી ૧૩ બાળકોને મુક્ત કરાવીને મજૂરીએ રાખનાર જવાબદારો સામે કડક પગલા ભરવામાં આવ્યા છે.

બાળ મજૂરીના દૂષણને નાથવા માટે કચ્છ જિલ્લામાં મદદનીશ શ્રમ આયુક્તની કચેરી કાર્યરત છે. જાન્યુઆરી ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં કચ્છમાં ૩૫ જેટલી રેડ કરીને ૫ બાળ શ્રમિકો અને ૮ તરુણ શ્રમિકો એમ કુલ ૧૩ બાળ- તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા છે. કાયદા હેઠળ છેલ્લા એક વર્ષમાં દોષિતો સામે કુલ ૫ કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ ૭ એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૩માં ૩૯ રેડ કરીને ૫ બાળકોને ૮ તરૂણોને મુકત કરવા સાથે ૬ સામે એફ.આઇ.આર તથા ૩ કોર્ટ કેસ કરવામાં આવ્યા હતા.

બાળમજૂરી વિરોધી કાયદાના અસરકારક અમલીકરણ માટે દરેક જિલ્લામાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક વિશેષ જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા દર મહિને નિયમિત બેઠક યોજી રેડનું આયોજન કરી બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવે છે. બાળમજૂરી અટકાવવા માટે રેડ કર્યા બાદ બાળકોને રેસ્ક્યુ કરીને તેમનું રિહેબિલિટેશન (પુનર્વસન) પણ કરવામાં આવે છે.

મુક્ત કરાયેલાં બાળકોને ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવે છે અને ચાઇલ્ડ વેલફેર કમિટી (CWC) દ્વારા જરૂરી તપાસ બાદ માતા-પિતાને સોંપવામાં આવે છે. બિન-ગુજરાતી બાળકોને તેમના રાજ્યની CWC મારફતે વાલીઓને સુરક્ષિત રીતે સોંપવામાં આવે છે. મુક્ત કરાયેલાં તમામ બાળકોની ઉંમર પ્રમાણે શાળા પ્રવેશ અપાવવામાં આવે છે. મુક્ત કરાયેલા બાળકનાં માતા-પિતા પાસે કોઈ આર્થિક ઉપાર્જનનું સાધન ન હોય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સંચાલિત વિવિધ રોજગારલક્ષી યોજનાઓનો લાભ અપાવી તેમના પરિવારનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવે છે. વિશ્વભરમાં આ વર્ષે ૨૦૨૫માં “સેફ એન્ડ હેલ્ધિ જનરેશન” થીમ સાથે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ ઉજવવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય યુવાન કામદારોની સલામતી, આરોગ્યમાં સુધારો કરવાનો અને તમામ પ્રકારની બાળ મજૂરીનો વહેલામાં વહેલી તકે અંત લાવવાનો છે.

૧૯૮૬માં બાળ મજૂરી નિષેધ અને નિયમન કાયદો પસાર થયો હતો

બાળ મજૂરીને નાથવા માટે દર વર્ષે તા. ૧૨ જૂનને ‘વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારે વર્ષ ૧૯૮૬માં બાળ મજૂરી નિષેધ અને નિયમન કાયદો પસાર કર્યો હતો. આ અધિનિયમ ૦ થી ૧૪ વર્ષના બાળકોને કોઈપણ પ્રકારના કામ પર રાખવા માટે સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત ૧૪ થી ૧૮ વર્ષના તરુણોને જોખમી ધંધાઓમાં પ્રતિબંધ અને બિનજોખમી ધંધા- વ્યવસાય પર રાખવા માટે જરૂરી નિયમો હેઠળ જોગવાઈ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં આ અધિનિયમમાં કરાયેલા સુધારા બાદ કાયદાનું નામ ‘બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ’ કરવામાં આવ્યું છે.

કાયદાના ભંગ બદલ ૬ માસથી બે વર્ષ સુધીની કેદની જોગવાઈ – બાળ અને તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) કાયદાનો ભંગ કરનાર સામે દંડની જોગવાઈ કરવામાં આવી હતી જેમાં ગુજરાત સરકારે સુધારો કર્યો છે. આ કાયદામાં દંડની જોગવાઈમાં સુધારો કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. ગુજરાતમાં કરવામાં આવેલા સુધારા મુજબ કાયદાના ભંગ બદલ ૬ માસથી બે વર્ષ સુધીની કેદ અથવા રૂ. ૨૦ હજારથી લઈને એક લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે દોષિતો આ જ પ્રકારનો ગુનો બીજીવાર કરે તો તેવા સંજોગોમાં ૧ વર્ષથી લઈને ૩ વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!