વિશ્વ પર્યાવરણ દિવસની “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” ના કેન્દ્રીય વિચાર સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રએ પણ ખાસ ગરવા ગિરનાર અને ભવનાથ તીર્થક્ષેત્ર સહિતના સ્થળોએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે અસરકારક પગલાંઓ લીધા છે. આ સાથે જ પ્રકૃતિ પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિક વિશે લોકોમાં વ્યાપક જનજાગૃતિના પ્રયાસો સફળ રહ્યા છે.જૂનાગઢમાં મહાશિવરાત્રી અને ગિરનાર લીલી પરિક્રમા બે મોટા ધાર્મિક મેળા ઉત્સવો યોજાય છે, જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે. ત્યારે ખાસ ભવનાથ અને ગિરનારમાં પ્લાસ્ટિક જતું અટકે તે માટે વહીવટી તંત્ર દ્વારા જુદી જુદી જગ્યાના એન્ટ્રી સ્થળોએ ફ્રીસકિંગ પોઇન્ટ ઊભા કર્યા. ભવનાથ જતા રસ્તા પર ચેક પોસ્ટ પર કાર્યરત કરવામાં આવી. જેથી લોકોમાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક વિશેનો એક સંદેશ મળ્યો.જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી પ્રકૃતિથી હર્યાભર્યા ગરવા ગિરનારમાં પ્લાસ્ટિક ન જાય તે માટે જાગૃતિ કેળવવામાં આવી. આ સાથે મોબાઈલ પ્લાસ્ટિક સ્કોવ્ડ દ્વારા પણ પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા માટે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ મુજબ જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત પણ કરવા સહિતના પગલા પણ લેવામાં આવ્યા.જિલ્લા વહીવટી તંત્ર અને સાધુ સંતોએ ગિરનાર લીલી પરિક્રમામાં ભાવિકોને પ્લાસ્ટિક સાથે ન લાવવા અપીલ કરી હતી, તેને પણ ભાવિકોએ વધાવી હતી અને ગિરનારને પ્લાસ્ટિક મુક્ત રાખવામાં સહયોગી બન્યા હતા. ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પધારેલા ભાવિકોએ પણ ગિરનારને પ્લાસ્ટિકના પ્રદૂષણથી મુકતા રાખવા માટેના પ્રયાસોની સરાહના કરી હતી.જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સહયોગ આપીને સેવાકીય સંસ્થાઓ પણ પ્લાસ્ટિક મુક્ત ગિરનારની ઝુંબેશમાં જોડાયા હતા. તેમજ વન વિભાગ અને સેવાકીય સંસ્થાઓએ કાપડ અને બાયોડીગ્રેડેબલ થેલીઓનું ભાવિકોને વિતરણ કર્યું હતું પ્લાસ્ટિક પ્રતિબંધની અસરકારક અમલવારી થાય તે માટે જનજાગૃતિ ઝુંબેશને આયોજનબદ્ધ રીતે આગળ વધારવા માટે પ્રાંત અધિકારીશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી અને એસીએફનો સમાવેશ કરતી એક કમિટીની પણ રચના કરવામાં આવી હતી. તેના અનુસંધાને પ્લાસ્ટિકથી પ્રકૃતિ પર્યાવરણને થતા નુકસાન અંગે અવેરનેસ લાવવા માટે રેલી, વિવિધ સ્પર્ધા, નેચર એજ્યુકેશન કેમ્પ વગેરે યોજવામાં આવી હતી. ઉપરાંત બેનર, હોર્ડિંગસ, ભીંતસૂત્રો દ્વારા પણ જનજાગૃતિના પ્રયાસ કરવામાં આવ્યા હતા.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે ‘પ્લાસ્ટિક મુક્ત ગિરનાર’ ની થીમ ઉપર વોલ પેન્ટિંગ સ્પર્ધા યોજવામાં આવી. જેથી ભવનાથ ક્ષેત્રની દીવાલો ‘પ્લાસ્ટિક મુક્ત ગિરનાર’ ના સંદેશ આપતા કલાત્મક અને રંગબેરંગી ચિત્રોથી એક નવી આભા ઉમેરાઈ હતી.ઉલ્લેખનીય છે કે, પ્લાસ્ટિક પ્રદુષણ પર્યાવરણ માટે એક વિકરાળ સમસ્યા છે. પ્લાસ્ટિક માટી, હવા, પાણીની સાથે વન્યજીવનને પણ હાનિ પહોંચાડે છે. ઉપરાંત પ્લાસ્ટિકનું દાયકાઓ સુધી વિઘટન થતું નથી. ત્યારે લોકોએ જ સ્વયંભૂ પ્લાસ્ટિક સામે એક જંગ છેડવો પડશે અને તેનાથી જ ભાવિ પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરી શકાશે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ