વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
ભારત સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ હોવા છતાં આપણા માટે હકારાત્મક બાબતે એ છે કે ભારત આજે વિશ્વનો સૌથી યુવાન દેશ પણ છે.
મુન્દ્રા,તા.23: સમાજમાં વધતી જતી વસ્તીની સ્થિરતા લાવવા સારું અને સામાન્ય જનસમુદાયમાં આ બાબતની જાગૃતિ આવે તે ઉદ્દેશથી રોટરી હોલ મુંદ્રા ખાતે તાલુકાની તમામ સ્ત્રી આરોગ્ય કાર્યકર તથા આશા બહેનોના સંમેલનનને જિલ્લા ક્ષય અધિકારી ડો. મનોજ દવે, તાલુકા આરોગ્ય અધિકારી ડો. યોગેન્દ્રપ્રસાદ મહતો, રોટરીના પ્રમુખ બલદેવસિંહ જાડેજા, મંત્રી શૈલેષ માલી, રોટેરિયન વિરાટભાઈ, શહેર ભાજપ પ્રમુખ સંજય ઠક્કર અને મંત્રી લાલુભા પરમાર વિગેરે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં ડો.દવેએ વધતી જતી વસ્તીની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરતા મોડા લગ્ન, પ્રથમ બાળક લગ્નબાદ તુરંત નહીં, બે બાળકો વચ્ચે સુરક્ષિત અંતર અને કુટુંબના સર્વાંગી વિકાસમાં નાના કુટુંબનો ફાળો, દીકરો – દીકરી એક સમાન, કુટુંબ નિયોજનની કાયમી – બિનકાયમી પધ્ધતિઓ વિગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કરીને માતા અને બાળ મરણ અટકાવવા પરિવાર નિયોજન કઈ રીતે ઉપયોગી થઇ શકે એ અંગે માર્ગદર્શન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત દેશ વિશ્વનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બની ગયો છે ત્યારે વસ્તી નિયંત્રણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અનેક યોજનાઓને કાર્યક્રમો દ્વારા લોકોને પરિવાર નિયોજન માટે જાગૃત કરીને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ભારત સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ હોવા છતાં આપણા માટે હકારાત્મક બાબતે એ છે કે ભારત આજે વિશ્વનો સૌથી યુવાન દેશ પણ છે એટલે કે દુનિયામાં સૌથી વધારે યુવાન વસ્તી આપણો દેશ ધરાવે છે. આ ઉપરાંત ચાંદીપુરા રોગ અંગે પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.કુટુંબ કલ્યાણ ક્ષેત્રે વર્ષ 2023-24 દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકાના સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્ત્રી આરોગ્ય કાર્યકર ભાવનાબેન મહેશ્વરી (ગુંદાલા), માધુરીબેન ચૌહાણ (મુન્દ્રા), સાધનાબેન ત્રિવેદી (પ્રાગપર 1), પ્રિયન્કાબેન અગ્રાવત (વડાલા), શિલ્પાબેન જાદવ (નાની તુંબડી), મોનાબેન રાસ્તે (ટુંડા), કૃપાલીબેન વ્યાસ (ભુજપુર 1) તથા આશાબહેનો લક્ષ્મીબેન મહેશ્વરી (બારોઇ), કનકબા પિંગલ (વડાલા), નંદાબા દીપસંગજી પઢીયાર (મોટા કપાયા), કોમલબેન મહેશ્વરી (મુન્દ્રા), કસ્તુરબેન ગુંસાઈ (ટોડા), સરોજબા વિજયસિંહ રાણા (સમાગોગા 2), જયશ્રીબેન સોની (મોટા કાંડાગરા)નું સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઈઝર હરિભાઇ જાટીયાએ કર્યું હતું.