BANASKANTHAGUJARATPALANPUR

વિશ્વ યોગ દિવસે અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોગ અને ગરબાનો સંગમ

21 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

લોકોએ આધ્યાત્મિકતા સાથે યોગ ગરબા રમીને કરી અનોખી ઉજવણી ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે આધ્યાત્મિકતાથી પરિપૂર્ણ અને લોકકલા સાથે જોડાયેલ “યોગ ગરબા”નું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. “યોગ ફોર વન અર્થ – વન હેલ્થ” ની થીમ સાથે અંબાજી મંદિરના ચાચર ચોકમાં આ અનોખી ઉજવણી કરાઈ હતી.અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદીએ જણાવ્યું કે, ભક્તિ અને શક્તિ તથા શિવ અને શક્તિના સમન્વય સાથે અંબાજી ખાતે વિશેષ યોગ ગરબાનું આયોજન કરાયું હતું જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો, શ્રદ્ધાળુઓ અને ટ્રસ્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યોગ ગુરુ અનીશ રંગરંજએ જણાવ્યું કે, યોગ એ શિવનું પ્રતીક છે જ્યારે ગરબા એ શક્તિનું પ્રતીક છે. સ્વસ્થ રહેવા માટે યોગ સાથે ગરબાનું પણ એટલું જ મહત્વ રહેલું છે. યોગ ગરબાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉત્થાનનો પણ વિકાસ થાય છે. આ કાર્યક્રમ દરમિયાન સવારે વિશિષ્ટ યોગાસન સત્ર યોજાયું હતું. જેમાં યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ લોકોએ યોગ અભ્યાસ કર્યો હતો ત્યારબાદ લોકોએ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ ‘ગરબા’ના તાલ સાથે યોગાસનના સમન્વય અને આધ્યાત્મિકતા સાથે ‘યોગ ગરબા’ કર્યા હતા. યોગ અને ગરબાના સમન્વય દ્વારા અંબાજી મંદિર પરિસરે આધ્યાત્મિક ઊર્જા સાથે યોગના વૈશ્વિક સંદેશને સ્થાનિક સાંસ્કૃતિક સ્વરૂપ મળ્યું હતું. વહીવટી તંત્ર, શ્રદ્ધાળુઓ તથા વિદ્યાર્થીઓએ ગરબામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. યોગ સાથે ગરબા એ શારીરિક, માનસિક અને સાંસ્કૃતિક વિકાસ માટે એક અનોખું મંચ આપે છે. યોગ માનસિક શાંતિ, એકાગ્રતા અને આંતરિક શક્તિનો આધાર છે, જ્યારે ગરબો ગુજરાતની જીવનશૈલી, આનંદ અને એકતાનું પ્રતિક છે. જ્યારે યોગાસનોને ગરબાના લયબદ્ધ તાલ સાથે જોડવામાં આવે, ત્યારે શરીર અને મન વચ્ચે ઉત્તમ સમતોલન સર્જાય છે. આ પ્રસંગે અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદી સહિત અધિકારીશ્રીઓ, મંદિર ટ્રસ્ટ અને બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!