અમેરિકાના 6 રાજ્યોમાં ઈમરજન્સી, વાવાઝોડાથી 13નાં મોત
કેટેગરી-૪નું શક્તિશાળી વાવાઝોડું હેલેને શુક્રવારે સવારે અમેરિકાની દક્ષિણે ફ્લોરિડાના દરિયા કિનારે ત્રાટક્યું હતું.
અમેરિકામાં હેલેન વાવાઝોડાંએ ભારે કેર વર્તાવ્યો હતો. કેટેગરી-૪નું શક્તિશાળી વાવાઝોડું હેલેને શુક્રવારે સવારે અમેરિકાની દક્ષિણે ફ્લોરિડાના દરિયા કિનારે ત્રાટક્યું હતું. વાવાઝોડાંના કારણે અમેરિકાના દક્ષિણ-પૂર્વમાં ૧૩ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અમેરિકામાં આ વર્ષે આવેલા સૌથી મોટા તોફાનોમાં હેલેનનો સમાવેશ થાય છે. આ વાવાઝોડાંના કારણે ૧,૦૦૦ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી જ્યારે ૧.૨૦ કરોડ લોકો તેનાથી પ્રભાવિત થયા હતા. છ રાજ્યોમાં ૩૫ લાખથી વધુ લોકોએ પાવર કટનો સામનો કરવો પડયો હતો.
અમેરિકામાં ફ્લોરિડાના દરિયા કિનારે હેલેન વાવાઝોડું ત્રાટક્યા પછી આવેલા વરસાદ અને પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા ઈમર્જન્સી ક્રૂએ ભારે જહેમત ઊઠાવવી પડી હતી. આ વાવાઝોડું ગુરુવારે મોડી રાતે ફ્લોરિડાના ગ્રામીણ બીગ બેન્ડ વિસ્તારમાં દરિયા કાંઠે લેન્ડફોલ થયું હતું. આ સમયે પવનની ગતિ પ્રતિ કલાક ૨૨૫ કિ.મી. હતી. જોકે, વાવાઝોડાંના કારણે નોર્થ કેરોલિના સુધી પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
ફ્લોરિડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના અને સાઉથ કેરોલિના, ટેનેસી અને વર્જિનિયા સહિત છ રાજ્યોમાં ૩૫ લાખથી વધુ લોકોએ વીજળી વિના રહેવું પડયું હતું. જ્યોર્જિયાની એક આખી કાઉન્ટીમાં પાવર કટ થઈ ગયો હતો. આ રાજ્યોમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. આ રાજ્યોમાં ૧,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી જ્યારે ૪,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી અથવા અન્ય સ્થળે ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
વાવાઝોડું એટલું ભયાનક હતું કે, ફ્લોરિડા પર ત્રાટક્યું ત્યારે દરિયામાં કેટલાક સ્થળો પર ૨૦ ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા હતા. વાવાઝોડાંના કારણે દરિયાના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા અને અનેક સ્થળો પર પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ફ્લોરિડાના ગવર્નર રૉન ડી-સેન્ટિસે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અગાઉથી જ સુરક્ષિત સ્થળો પર જતા રહેવા સલાહ આપી હતી. ફ્લોરિડાના પાટનગર ટાલાહૈસીના મેયર જોન ડેલીએ કહ્યું કે, આ વાવઝોડું શહેરમાં આવેલું સૌથી શક્તિશાળી તોફાન હોઈ શકે છે અને તેનાથી શહેરમાં ભારે વિનાશ વેરાયો હશે.