અમેરિકામાં હેલેન વાવાઝોડાથી 60 લોકોના મોત, 2600 કરોડનું નુકસાન
દક્ષિણ અમેરિકામાં ભારે પવન અને ધોધમાર વરસાદ પડ્યા બાદ ભારે વિનાશ થયો છે અને હવે તંત્ર દ્વારા સફાઈ અભિયાન શરૂ કરી દેવાયું છે. વાવાઝોડા હેલેસના કારણે ઉદભવેલી તોફાની લહેરોના કારણે અનેક જગ્યાએ વીજળી પણ જતી રહી છે.
અમેરિકામાં આવેલા વાવાઝોડાં હેલેને ફ્લોરિડા અને દક્ષિણ પૂર્વ અમેરિકામાં ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડાંના કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક વધીને 60 પર પહોંચી ગયો છે. સૌથી વધુ દક્ષિણ કેરોલિનામાં 24 લોકોના મોત થયા છે. તીવ્ર ગતિએ ફૂંકાતા પવનમાં અનેક મકાનો તૂટી પડ્યા છે. બીજી બાજુ બચાવ કર્મચારીઓએ પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.
વાવાઝોડું એટલું તિવ્ર હતું કે, તેમાં અનેક સડકો અને બ્રિજો તૂટી ગયા છે. દક્ષિણ કેરોલિના, ફ્લોરિડા, જ્યોર્જિયા સહિત અનેક વિસ્તારમાં મોટાપાયે નુકસાન થયું છે. ઉત્તરના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ વાવાઝોડામાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા છે, જેમાં જ્યોર્જિયામાં બાળકો સહિત 17 લોકોના મોત થયા છે. મૂડીસના વિશ્લેષકો મુજબ વાવાઝોડાંના કારણે 15 અબજ યુએસ ડોલરથી 26 અબજ યુએસ ડોલર સુધીનું નુકસાન થયું હોવાની આશંકા છે.
કેટેગરી-4નું ચક્રવાતી વાવાઝોડું હેલેન શુક્રવારે (27 સપ્ટેમ્બરે) પસાર થતાં ફ્લોરિડા, જ્યોર્જિયા, ઉત્તર કેરોલિના, દક્ષિણ કેરોલિના તથા વર્જિનિયામાં ઉત્તર-પૂર્વ ટેનેસી સુધી અનેક મકાનો તૂટી ગયા હતા. અહીં અત્યંત જોખમી બચાવ અભિયાન હાથ ધરતા યુનિકોઈ કાઉન્ટી હોસ્પિટલની છત પરથી હેલિકોપ્ટર દ્વારા 54 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ન્યૂપોર્ટ, ટેનેસી જેવા શહેરોમાંથી પણ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ચક્રવાતી વાવાઝોડું નેશ કાઉન્ટી, ઉત્તર કેરોલિના સહિત કેટલાક વિસ્તારોમાં ત્રાટક્યું હતું.
ચક્રવાતી વાવાઝોડાંના કારણે એટલાન્ટામાં 48 કલાકમાં 28.24 સેમી (11.11 ઈંચ) વરસાદ ખાબક્યો હતો, જે વર્ષ 1878 પછી એટલાન્ટામાં સૌથી વધુ વરસાદ પડયો છે. જ્યોર્જિયાની ઓફિસે જણાવ્યું હતું કે, રાજ્યમાં અગાઉ 1886માં 24.36 સેમી (9.56 ઈંચ) વરસાદ પડયો હતો. ક્લાઈમેટ ચેન્જના કારણે અમેરિકામાં પરિસ્થિતિ વધુ કથળી રહી છે. ગરમ પાણી ઝડપથી શક્તિશાળી વાવાઝોડાંમાં પરિવર્તિત થાય છે. પ્રમુખ જો બાઈડને કહ્યું, તેમણે 1500 બચાવ કર્મચારીઓને તૈનાત કર્યા છે. ફ્લોરિડા, જ્યોર્જિયા અને કેરોલિનામાં તોફાનના કારણે અંદાજે ૩૫ લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.