વૈશ્વિક સ્તરે 2023 દરમિયાન 51,000થી વધુ મહિલાઓ અને છોકરીઓના મૃત્યુ માટે તેમના જીવનસાથી અથવા પરિવારના સભ્ય જવાબદાર : UN
મહિલાઓ માટે સૌથી સુરક્ષિત સ્થાન તેનું ઘર છે, પરંતુ જો UNનો રિપોર્ટ કહે કે, ઘર મહિલાઓ માટે સુરક્ષિત નથી, તો એક વાર તો તમે પણ વિચારમાં પડી જશો. વર્ષ 2023માં દરરોજ સરેરાશ 140 મહિલાઓ અને છોકરીઓની હત્યા તેના સાથી અને પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી છે. સોમવારે બે એજન્સીઓએ આ સંદર્ભમાં અહેવાલ રિપોર્ટ આપ્યો છે. યુએન વુમન અને યુએન ઓફિસ ઓફ ડ્રગ્સ એન્ડ ક્રાઈમએ જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે 2023 દરમિયાન 51,000થી વધુ મહિલાઓ અને છોકરીઓના મૃત્યુ માટે તેમના જીવનસાથી અથવા પરિવારના સભ્ય જવાબદાર છે. જે 2022ની સંખ્યા કરતા વધુ હતી.
મહિલાઓ વિરુદ્ધ હિંસા નાબૂદીના આંતરરાષ્ટ્રીય દિવસ પર જાહેર કરાયેલા અહેવાલ પ્રમાણે વધુમાં વધુ દેશોએ ડેટા ઉપલબ્ધ કરાવ્યા હોવાથી આ આંકડો વધ્યો છે. બંને એજન્સીઓએ ભાર મૂકીને કહ્યું કે, દરેક જગ્યાએ મહિલાઓ અને છોકરીઓ લિંગ આધારિત હિંસામાં મોટા પાયે પ્રભાવિત થાય છે. આનાથી કોઈ વિસ્તાર અછૂતો નથી રહ્યો. અહેવાલ પ્રમાણે વર્ષ 2023માં ઘર મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત જગ્યાઓમાંથી એક છે.
મહિલાઓની હત્યામાં આફ્રિકા પ્રથમ નંબર પર છે. આફ્રિકામાં 2023માં લગભગ 21 હજાર 700 મહિલાઓની હત્યા કરવામાં આવી છે. ગત વર્ષે અમેરિકામાં પણ આ દર વધુ હતો. અમેરિકામાં દર 1 લાખ મહિલાઓએ 1.6 મહિલાઓ પીડિત હતી. જ્યારે ઓસનિયામાં દર 1 લાખ મહિલાઓએ 1.5 મહિલાઓ પીડિત હતી. રિપોર્ટ અનુસાર એશિયામાં અન્ય દેશોની સરખામણીએ આ દર ઘણો ઓછો છે. અહીં 1 લાખ મહિલાઓ દીઠ 0.8 અને યુરોપમાં 1 લાખ મહિલાઓ દીઠ 0.6 પીડિતો હતી.
યુએનના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે યુરોપ અને અમેરિકામાં ખાનગી ક્ષેત્રની મહિલાઓની તેમના જ સંબંધીઓ દ્વારા જાણીજોઈને હત્યા કરવામાં આવે છે. જ્યારે પુરુષોની તેમના ઘર અને પરિવારની બહાર હત્યા કરવામાં આવે છે. અનુમાન પ્રમાણે 2023માં 80% હત્યા પુરુષોની કરવામાં આવી છે, જ્યારે 20 ટકા મહિલાઓની. પરિવારની અંદર થયેલી હિંસા પુરુષની તુલનામાં મહિલાઓને વધુ પ્રભાવિત કરે છે.