હિજબુલ્લાહ ચીફ માર્યો ગયા, હિજબુલ્લાહે પણ સંગઠન ચીફ નસરલ્લાહની મોતની પૃષ્ટી કરી
ઇઝરાયેલની સેનાએ લેબનોનની રાજધાની બેરૂતમાં અનેક ટાર્ગેટ પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં હિજબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હવે ઈઝરાયેલની સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેમના હુમલામાં હિજબુલ્લાહના ચીફ હસન નસરાલ્લાહ અને હિજઝબુલ્લાહના દક્ષિણી મોરચાના ચીફ અલી કરાકી અન્ય કમાન્ડરો સાથે માર્યા ગયા છે.
ડેનિયલ હગારીએ કહ્યું કે, ‘ઈઝરાયલી ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી સચોટ બાતમી બાદ, અમારા વાયુસેનાના ફાઈટર પ્લેન્સે આતંકવાદી સંગઠન હિજબુલ્લાહના સેન્ટ્રલ હેડક્વાર્ટર પર લક્ષ્યાંકિત હુમલો કર્યો, જે દહિયાહ વિસ્તારમાં રહેણાંક મકાનના ભોંયરામાં સ્થિત હતું. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે હિજબુલ્લાહનું વરિષ્ઠ નેતૃત્વ તેના હેડક્વાર્ટરમાં ઇઝરાયલી નાગરિકો વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ ચલાવવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું હતું.
ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે હસન નસરાલ્લાહના 32 વર્ષના કાર્યકાળ દરમિયાન હિજબુલ્લાના વડા તરીકે, તેઓ અસંખ્ય ઇઝરાયેલ નાગરિકો અને સૈનિકોની હત્યા અને હજારો આતંકવાદી કૃત્યોના આયોજન અને અમલ માટે જવાબદાર હતો.
હિજબુલ્લાહે સંગઠનના પ્રમુખ નસરલ્લાહના મોતની પૃષ્ટી કરી છે. હિજબુલ્લાહ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે, ‘હિજબુલ્લાહના મહાસચિવ મહામહિમ સૈયદ હસન નસરલ્લાહ પોતાના મહાન અમર શહીદ સાથીઓમાં સામેલ થઇ ગયા છે, જેમના માર્ગ પર તેમને લગભગ 30 વર્ષ સુધી નેતૃત્ત્વ કર્યું.
સુરક્ષિત સ્થાન પર ગયા બાદ ઈરાનના સર્વોચ્ચ નેતાએ મુસ્લિમોને આહ્વાન કરતાં કહ્યું કે તે લેબેનોનના લોકો અને ગર્વિત હિજબુલ્લાહની સાથે દરેક શક્ય રીતથી ઊભા થાય અને ઈઝરાયલના દુષ્ટ શાસનનો સામનો કરવામાં તેમની મદદ કરે. ખામેનેઈએ એક નિવેદનમાં કહ્યું, ‘આ વિસ્તારનું ભાગ્ય વિરોધની તાકાતો દ્વારા નક્કી કરવામાં આવશે, જેમાં હિજબુલ્લાહ સૌથી આગળ હશે.’