ગાઝામાં રાતભર થયેલા ઇઝરાયલના હુમલામાં અનેક બાળકો સહિત 100થી વધુ લોકોનાં મોત

ગાઝાની સ્થાનિક હોસ્પિટલના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર, ગાઝામાં રાતભર થયેલા ઇઝરાયલના હુમલામાં અનેક બાળકો સહિત 100થી વધુ લોકોનાં મોત થયા છે. આ ઘટના અમેરિકાની મધ્યસ્થીથી થયેલા યુદ્ધ-વિરામ માટે એક નવા પડકાર તરીકે જોવામાં આવી રહી છે.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સેનાને ગાઝા પર શક્તિશાળી હુમલા કરવા માટે આદેશ આપ્યો અને હમાસ પર યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ મૂક્યો, ત્યારે આ ઘટનાક્રમ સામે આવ્યો. જવાબમાં, હમાસે જાહેરાત કરી કે તેઓ હુમલાના કારણે એક અન્ય બંધકનો મૃતદેહ સોંપવામાં વિલંબ કરશે.
ઇઝરાયલના હવાઈ હુમલા બાદ ગાઝાની વિવિધ હોસ્પિટલોમાંથી જાનહાનિની ચોક્કસ વિગતો મળી છે. જેમાં ગાઝા પટ્ટીના મધ્ય શહેર દીર અલ-બલાહ સ્થિત અક્સા હોસ્પિટલે જણાવ્યું કે બે ઇઝરાયલી હવાઈ હુમલા બાદ રાતભરમાં ઓછામાં ઓછા 10 મૃતદેહ લાવવામાં આવ્યા, જેમાં ત્રણ મહિલાઓ અને 6 બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દક્ષિણ ગાઝામાં ખાન યુનિસ સ્થિત નાસિર હોસ્પિટલને પાંચ ઇઝરાયલી હુમલા બાદ 20 મૃતદેહ મળ્યા, જેમાં બે મહિલા અને 13 બાળકો હતા. જ્યારે મધ્ય ગાઝામાં આવેલી અલ-અવદા હોસ્પિટલે જણાવ્યું કે તેમને કુલ 30 મૃતદેહ પ્રાપ્ત થયા, જેમાંથી 14 બાળકોના હતા.
ઇઝરાયલના એક અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ ગાઝામાં તેની સેના પર ગોળીબાર કરવામાં આવ્યો અને હમાસે સોમવારે મૃતદેહના અવશેષો સોંપ્યા. આ અવશેષો વિશે ઇઝરાયલે કહ્યું કે, તે લગભગ બે વર્ષ પહેલાં ઇઝરાયલી સૈનિકો દ્વારા ગાઝામાંથી મેળવેલા એક બંધકના મૃતદેહના હતા, જેને હમાસે પરત કર્યા હતા. આ ઘટનાઓ બાદ જ નેતન્યાહૂએ હુમલા શરૂ કરવાનો આદેશ આપ્યો.
બીજી તરફ, અમેરિકાએ શરૂઆતમાં ફરીથી શરૂ થયેલી હિંસાને ગંભીરતાથી લીધી ન હતી. અમેરિકાના ઉપ પ્રમુખ જે.ડી. વેન્સએ આશા વ્યક્ત કરી કે આ ક્લેશ જલ્દી જ સમાપ્ત થઈ જશે.




