કેન્યામાં ટેક્સમાં વધારો કરવાની ભલામણ કરતા બિલ વિરૂદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા બાદ બિલ પરત ખેંચ્યું
કેન્યામાં ટેક્સમાં વધારો કરવાની ભલામણ કરતા બિલ વિરૂદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા બાદ કેન્યાના પ્રેસિડન્ટ વિલિયમ રૂટોએ વિવાદિત ફાઈનાન્સ બિલ પરત ખેંચ્યું છે. રૂટોએ જણાવ્યું હતું કે, “ફાઇનાન્સ બિલ 2024માં સામેલ સુધારાઓ મુદ્દે સતત ચર્ચા-વિચારણા કર્યા બાદ અને કેન્યાના લોકોની માગને ધ્યાનથી સાંભળીને હું નિર્ણય લઈ રહ્યો છું કે આ ફાઇનાન્સ બિલ 2024 પર સહી કરીશ નહીં, તેમજ તેની કોઈપણ ભલામણો લાગૂ કરીશુ નહીં.”
કેન્યામાં સરકારના વિવાદાસ્પદ ટેક્સ પ્લાન સામેનો વિરોધ હિંસક દેખાવોમાં પરિવર્તિત થયો હતો. તોફાનીઓના ટોળાએ સંસદનો એક હિસ્સો પણ સળગાવી દીધો હતો. તોફાનોને કાબૂમાં લેવા પોલીસના ગોળીબારમાં અત્યાર સુધીમાં 23ના મોત થયા છે. આ ઉપરાંત 300થી વધુ ઈજા પામ્યા છે અને 50થી પણ વધુ લોકોની ધરપકડ થઈ છે. આ દેખાવોમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાની હાફ સિસ્ટર અને કેન્યન એક્ટિવિસ્ટને પણ પોલીસે ટીયર ગેસ છોડયો તેમા ઇજા થઈ હતી.
કેન્યામાં પ્રદર્શનકારોએ જણાવ્યું છે કે, રૂટોએ બિલને રદ કરવાની તેમની મુખ્ય માંગને સ્વીકારી હોવા છતાં તેઓ ગુરુવારે 10 લાખ લોકો સાથે મળી રેલી કાઢી વિરોધ રજૂ કરશે. સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરાયેલ એક પોસ્ટરમાં તમામ પેઢીઓને ગુરુવારે દેશભરની શેરીઓમાંથી બહાર નીકળી નૈરોબી તરફ જતા રસ્તાઓ બ્લોક કરવા અપીલ કરવામાં આવી છે.
પોલીસ અને સૈનિકો ગલીઓમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે અને સફાઈ કામદારોએ શહેરનું સફાઈ કામ શરૂ કર્યું છે. સંસદ, સિટી હોલ અને સુપ્રીમ કોર્ટ કોર્ડન કરી દેવાઈ છે.
કેન્યામાં જીવનધોરણ ખર્ચ ઉંચે જઈ રહ્યો છે ત્યારે ટેક્સ વધારવાના પ્રસ્તાવિત ફાઇનાન્સ બિલને લઈ મોટાપાયા પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતાં. કેટલાય યુવાનોએ રુટોને સત્તા પર આવવા માટે તે આશાએ મત આપ્યા હતા કે, તેઓ આર્થિક રાહત કરી આપશે, રુટોએ લોકોને આર્થિક રાહત કરી આપવાનું વચન પણ આપ્યું હતું. પણ સત્તા પર આપ્યા પછી તેમણે આર્થિક સુધારાનો આકરો માર્ગ અપનાવતા લોકો શેરીઓમાં ઉતરી દેખાવકારો કેન્યાની સંસદ પર ત્રાટક્યા હતા.