અમેરિકાના ઈઝરાયલ સમર્થન બાદ ઈરાનના સમર્થનમાં અનેક દેશો ઉતર્યા હોવાના અહેવાલો મળ્યા, અનેક દેશ પરમાણુ હથિયારો આપવા તૈયાર
ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં અમેરિકાના ઈઝરાયલ સમર્થન બાદ ઈરાનના સમર્થનમાં અનેક દેશો ઉતર્યા હોવાના અહેવાલો મળ્યા છે. આ અહેવાલો વચ્ચે રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે ચોંકવનારૂ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, અનેક દેશ ઈરાનને પોતાના પરમાણુ હથિયારો આપવા તૈયાર છે.
મેદવેદેવે જણાવ્યું હતું કે, આ હુમલો ઈરાનના પરમાણુ કાર્યક્રમ રોકવામાં નિષ્ફળ રહ્યા છે. પરંતુ મધ્ય-પૂર્વમાં તણાવ વધ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ શરૂ કરનારા પ્રમુખ બન્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પણ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવા રવિવારે બપોરે મોસ્કો જવા રવાના થયા છે. અરાઘચી મધ્ય-પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે આવતીકાલે રશિયાના પ્રમુખ સાથે મુલાકાત કરશે.
અમેરિકાના હુમલા બાદ મેદવેદેવે ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યું હતું કે, શાંતિનો દાવો કરી સત્તામાં આવેલા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને મીડલ ઈસ્ટના યુદ્ધમાં ધકેલી દીધું છે. તેઓએ પરમાણુ મથકો પર હુમલો તો કરાવ્યો પણ ઈરાનની સાઈટ્સ પર નહિંવત્ત નુકસાન થયુ છે. ટ્રમ્પને પડકારતાં મેદવેદેવે આગળ કહ્યું હતું કે, ન્યૂક્લિયર મટિરિયલનું એનરિચમેન્ટ ચાલુ રહેશે. પરમાણુ હથિયારોનું ઉત્પાદન ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. અનેક દેશ ઈરાનને પોતાના પરમાણુ હથિયારો આપવા તૈયાર છે. જો કે, મેદવેદેવે દેશોના નામનો ઉલ્લેખ કર્યો ન હતો.
અરાઘચીએ ઈસ્તાંબુલમાં ઈસ્લામિક સહયોગ સંગઠન શિખર સંમેલન દરમિયાન આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રશિયા ઈરાનનો મિત્ર છે. અમે હંમેશા એક-બીજાની સલાહ લઈએ છીએ. હું આજે બપોરે મોસ્કો જઈ રહ્યો છું. આવતીકાલે રશિયાના પ્રમુખ સાથે ગંભીર ચર્ચા કરીશ. એકબાજુ ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી અને હવે ઈરાનને સમર્થન આપવા રશિયા દખલગીરી કરશે તો વિશ્વમાં યુદ્ધની સ્થિતિ ભયાવહ થવાની ચિંતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.