૩ વર્ષ પછી પણ ન્યાય નહીં : જૂનાગઢમાં ચાર નિર્દોષના મોત મામલે પીડિત પરિવારનો આક્રોશ, જવાબદારો સામે તાત્કાલિક પગલા લેવાની ઉગ્ર માંગ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : આજે પણ તે કાળો દિવસ લોકોના મનમાંથી ભૂંસાયો નથી. ત્રણ વર્ષ પહેલાં જૂનાગઢમાં બનેલી હૃદયદ્રાવક દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર નિર્દોષ સભ્યો – બે માસૂમ બાળકો, અને તેમના પિતા સંજયભાઈ સહિત ચારના કરુણ મોત થયા હતા. ત્રણ વર્ષ પૂર્ણ થતાં દુર્ઘટના સ્થળે પીડિત ડાભી પરિવાર, વેપારી એસોસિએશન, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ માત્ર શ્રદ્ધાંજલિ પૂરતો મર્યાદિત રહ્યો નહોતો, પરંતુ ન્યાય માટેના સંઘર્ષનો ખુલ્લો શંખનાદ બન્યો હતો. કાર્યક્રમ દરમિયાન સામાજિક આગેવાન તેજસભાઈ જોશીએ જણાવ્યું કે આ લડાઈ કોઈ રાજકીય લાભ, પ્રસિદ્ધિ કે ફોટોગ્રાફી માટે નથી, પરંતુ ચાર નિર્દોષ આત્માઓને ન્યાય અપાવવા માટે છે. તેમણે જણાવ્યું કે પોલીસ સ્ટેશનથી લઈને કોર્ટ સુધીની દરેક કાનૂની લડતમાં તેઓ પીડિત પરિવારની પડખે અડીખમ ઊભા રહેશે. સાથે જ તેમણે તમામ સમાજના લોકોને આ ન્યાયની લડતમાં જોડાવા અપીલ કરી હતી. પીડિત પરિવારના સભ્ય વિરાટભાઈ ડાભીએ ભારે વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે ત્રણ વર્ષ વીતી ગયા છતાં પરિવારને ન્યાય મળ્યો નથી. તેમણે આરોપ લગાવ્યો કે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં સતત ટાળટૂળ થઈ રહી છે. તેમના જણાવ્યા મુજબ, વોર્ડ ઈજનેર હર્ષિત ભુવા અને STPO બિપિન ગામિત સામે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે આજે પણ એક અધિકારી પોતાની ચેમ્બરમાં કાર્યરત છે અને બીજા અધિકારીની માત્ર બદલી કરવામાં આવી છે. વિરાટભાઈએ આક્ષેપ કર્યો કે સત્તા અને પ્રભાવના જોરે સમગ્ર કેસને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની લાગણી પરિવારને થઈ રહી છે.
વેપારી એસોસિએશનના પ્રમુખ સન્નીભાઈ સોંદરવાએ જણાવ્યું કે આ માત્ર એક અકસ્માત નહોતો, પરંતુ તંત્રની ગંભીર બેદરકારીના કારણે એક આખો પરિવાર ઉજ્જડ થઈ ગયો. બે માસૂમ બાળકો સહિત ચાર નિર્દોષ જીવ ગુમાવનાર પરિવારને ત્રણ વર્ષ પછી પણ ન્યાય ન મળવો એ સમગ્ર વહીવટી તંત્ર માટે શરમજનક બાબત છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને નાગરિકોએ એકસુરે માંગણી કરી કે:
મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે વિલંબ વિના કાયદેસરની FIR નોંધવામાં આવે.
સમગ્ર કેસની સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે.
કોઈપણ પ્રકારની રફાદફા કે દબાણની નીતિ બંધ કરીને પીડિત પરિવારને સમયસર ન્યાય અપાવવામાં આવે.
ભવિષ્યમાં આવી બેદરકારીના કારણે કોઈ અન્ય નિર્દોષ પરિવારનો માળો ન વિખેરાય તે માટે મહાનગરપાલિકા અને તંત્ર જવાબદારી નિશ્ચિત કરીને કડક પગલાં ભરે.
શ્રદ્ધાંજલિ સભાના અંતે તેજસભાઈ જોશી, સન્નીભાઈ સોંદરવા, કાળાભાઈ રાણવા, વિરાટભાઈ ડાભી સહિત ઉપસ્થિત આગેવાનો, વેપારીઓ અને નાગરિકોએ બે મિનિટનું મૌન પાળી ચારેય દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
“ત્રણ વર્ષથી ન્યાયની રાહ જોતા એક પરિવારનો પ્રશ્ન માત્ર ડાભી પરિવારનો નથી, પરંતુ દરેક નાગરિકની સુરક્ષા અને જવાબદાર શાસનની કસોટી છે. હવે વધુ વિલંબ નહીં – જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી અને પીડિત પરિવારને ન્યાય એ જ સમયની માંગ છે.”