NATIONAL

ફ્લેટ કે મકાનના બ્રોશર માત્ર માર્કેટિંગ નહીં પણ ‘વચન’ છે, બિલ્ડરો હાથ ન ખંખેરી શકે : સુપ્રીમ કોર્ટ

ફ્લેટ કે મકાન વેચતા પહેલા બિલ્ડરો ચમકતા બ્રોશર (માહિતી પુસ્તિકા) તૈયાર કરતાં હોય છે જેમાં ફ્લેટ કે મકાન સંબંધની તમામ સુવિધાઓ સહિતના બીજા દાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ પઝેશન વખતે બ્રોશરના દાવા પ્રમાણેની ઘણી સુવિધાઓ હોતી નથી, તેથી એક રીતે મકાન ધારકોને ઠગાઈનો અનુભવ થતો હોય છે, પરંતુ હવે આવા ખોટા દાવાઓ કરનાર બિલ્ડરો અને રીયલ એસ્ટેટ ચેતી જવું પડશે કારણ કે દેશની ટોચની કોર્ટે આ વાતની ગંભીર નોંધ લીધી છે.

રિયલ એસ્ટેટ ડેવલપર્સ/ બિલ્ડર્સને ચેતવણી આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફ્લેટ કે મકાનના બ્રોશર માત્ર માર્કેટિંગ નહીં પણ ‘વચન’ છે, ડેવલપર્સ પ્રોજેક્ટ બ્રોશરમાં ગ્રાહકોને વાયદા કરીને પાછળથી તેને માત્ર ‘માર્કેટિંગ ક્લેઇમ’ ગણાવીને હાથ ખંખેરી શકે નહીં. જો કોઈ ચોક્કસ પ્લાન, નકશા અને સુવિધાઓ દર્શાવીને પ્રોજેક્ટ વેચવામાં આવ્યો હોય, તો બિલ્ડરે તે તમામ વચનો જમીન પર પૂરા કરવા જ પડશે.

જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર મહાદેવનની ખંડપીઠ ગુરુગ્રામના સેક્ટર 82A સ્થિત DLF હોમ ડેવલપર્સના ‘ધ પ્રાઇમસ’ હાઉસિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલા વિવાદની સુનાવણી કરી રહી હતી. આ પ્રોજેક્ટના મૂળ પ્લાનમાં 24 મીટર પહોળો એપ્રોચ રોડ દર્શાવવામાં આવ્યો હતો. જોકે આ રસ્તો વચન મુજબ બનાવવામાં આવ્યો નથી. ખંડપીઠે ચેતવણી આપી હતી કે જો પ્રોજેક્ટને મૂળ બ્રોશર અને નકશા મુજબ સુધારવામાં નહીં આવે તો કોર્ટ આકરા આદેશો આપશે. સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે વારંવાર તકો આપવા છતાં બિલ્ડર દ્વારા આ ખામી કેમ સુધારવામાં આવી નથી?

સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો દેશવ્યાપી લાગુ પડે છે. સુપ્રીમના ચુકાદા બાદ સ્પસ્ટ થયું છે કે જો કોઈ મકાન ધારકને બ્રોશરમાં જણાવ્યા પ્રમાણેની સુવિધાઓ ન જોવા મળતી હોય તો તેઓ કાનૂની રસ્તો લઈ શકે છે.

Back to top button
error: Content is protected !!