NATIONAL

અદાણી ગ્રૂપ સામે અમેરિકામાં છેતરપિંડીનો કેસ: સોલાર પ્રોજેક્ટ માટે ભારતમાં અધિકારીઓને બે હજાર કરોડની લાંચ

અદાણી ગ્રૂપે યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અને યુએસ સિક્યુરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ કમિશન દ્વારા મૂકવામાં આવેલા લાંચ અને છેતરપિંડીના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાના સનસનીખેજ આરોપ લગાવાયા છે. અમેરિકામાં બુધવારે દાખલ એક કેસમાં તેમના વિરુદ્ધ પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં ભારતીય અધિકારીઓને 250 મિલિયન ડૉલર (આશરે રૂ. 2000 કરોડથી વધુ)ની લાંચ આપવાની તૈયારી બતાવી હતી.

અમેરિકાના પ્રોસિક્યુટર્સ (સરકારી વકીલ)નો આરોપ છે કે અદાણી તથા તેમની કંપનીના અન્ય સીનિયર અધિકારીઓએ રિન્યુએબલ એનર્જી કંપનીને કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં ભારતીય અધિકારીઓને પૈસા આપવાનો વાયદો પણ કરી દીધો હતો. આ કોન્ટ્રાક્ટથી કંપનીને 20 વર્ષમાં 2 બિલિયન ડૉલરથી વધુનો નફો થવાની આશા હતી.

ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી જ નહીં સાત લોકો પર અબજો ડૉલરની છેતરપિંડી તથા લાંચનો આરોપ લગાવ્યો છે. ભારતીય અધિકારીઓને અબજો રૂપિયાની લાંચ આપવાનું ફંડ અદાણીએ અમેરિકામાંથી ભેગું કરવાનું નક્કી કર્યું હતું. આ માટે તેમણે અમેરિકા અને અન્ય વિદેશી રોકાણકારો તેમજ બૅંકો સમક્ષ પણ અનેક હકીકતો છુપાવી હતી.

આરોપીઓમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારી તથા ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી અને વિનીત જૈનનું નામ પણ સામેલ છે. આ કેસમાં સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દિપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

– વર્ષ 2020થી 2024ની વચ્ચે અદાણીએ ભારત સરકારનો સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા અધિકારીઓને 250 મિલિયન ડૉલર લાંચ આપવા તૈયાર થયા. પછી એક ભારતીય અધિકારી સાથે મુલાકાત કરી. સાગર અદાણી અને વિનીતે સ્કીમ માટે મીટિંગ રાખી.

– બાદમાં લાંચની રકમ ભેગી કરવા માટે અદાણી ગ્રૂપે, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના કોન્ટ્રાક્ટના નામે અમેરિકાના રોકાણકારો પાસેથી ત્રણ બિલિયન ડૉલરનું ફંડ ભેગું કર્યું.

– બાદમાં FBI અને યુએસ સિક્યોરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ કમિશનની તપાસ રોકવાના પણ પ્રયાસ કર્યા. એટલું જ નહીં, આ સ્કીમને લગતા ઈમેલ, મેસેજ અને એનાલિસિસ ડિલીટ કરી દેવાયા.

આમ ટૂંકમાં સોલાર એનર્જીની એક યોજનામાં કોન્ટ્રાક્ટ મેળવવા માટે અદાણીએ ભારતના અધિકારીઓને અબજો રૂપિયાની લાંચ આપવાનો વાયદો કર્યો. બાદમાં અમેરિકામાં રોકાણકારોથી ખોટું બોલીને ફંડ ભેગું કર્યું. બાદમાં તપાસમાં અડચણ ઊભી કરવાના પ્રયાસ પણ કર્યા. FBIના અધિકારી જેમ્સ ડેનન્હિએ દાવો કર્યો છે કે, આ તમામ આરોપીઓએ ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ પણ કર્યો છે.

અદાણી ગ્રૂપે યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અને યુએસ સિક્યુરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ કમિશન દ્વારા મૂકવામાં આવેલા લાંચ અને છેતરપિંડીના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

અદાણી ગ્રૂપની પેટા કંપની અદાણી ગ્રીન પર રૂ. 265 મિલિયન ડૉલરની લાંચ અને છેતરપિંડીના આરોપ અદાણી ગ્રૂપે ફગાવી દીધા છે. અદાણી ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અને SEC દ્વારા અદાણી ગ્રીનના ડિરેક્ટર્સ વિરુદ્ધ મૂકાયેલા તમામ આરોપો પાયાવિહોણા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે લખ્યું છે કે, તમામ આરોપો શંકાસ્પદ છે. આરોપીને ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવે છે, જ્યાં સુધી તે દોષિત સાબિત ન થાય. હવે અમે કાયદાકીય ઉકેલોના વિકલ્પના માર્ગે આગળ વધીશું. અદાણી ગ્રૂપે હંમેશા તમામ કાયદા અને નીતિનિયમોનું પાલન કર્યું છે.’

અદાણી ગ્રૂપે ખાતરી આપતાં કહ્યું છે કે, ‘અમે તમામ બિઝનેસ કામગીરીમાં પારદર્શકતા રાખી છે, નિયામકની જોગવાઈઓના પાલન પ્રત્યે હંમેશા પ્રતિબદ્ધ છીએ. અમે અમારા તમામ સ્ટેકહોલ્ડર્સ, ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે, અમે કાયદાનું પાલન કરતું ઑર્ગેનાઇઝેશન છીએ. અમે તમામ કાયદાને અનુસરીને જ કામગીરી કરીએ છીએ.’

Back to top button
error: Content is protected !!