ડિજિટલ ઇન્ડિયામાં સાયબર ફ્રોડના કેસમાં બે વર્ષમાં 10 ગણો વધારો, અંદાજે રૂ. 22,812 કરોડની તફડંચી
ભારતમાં દિવસે ને દિવસે સાયબર ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સાયબર ગુનાની રીતો પણ બદલાતી રહી છે. ઓટીપી, એપીકે લિંક, ડિજિટલ અરેસ્ટ સહિત અનેક પ્રકારે સામાન્ય ભારતીય પ્રજા સાયબર સ્કેમર્સનો ભોગ બની રહી છે. છેલ્લા એક વર્ષમાં જ સાયબર ગુનેગારોએ ભારતીયો પાસેથી અંદાજે રૂ. 22,812 કરોડની તફડંચી કરી છે. દેશમાં 2024માં ભારતીયોએ સાયબર ગુનાના અંદાજે ૨૦ લાખ કેસ નોંધાવ્યા છે. જોકે, સાયબર છેતરપિંડીની ફરિયાદ ન કરી હોય તેવા લોકોને પણ ધ્યાનમાં લેવામાં આવે તો ભારતીયો સાથે સાયબર છેતરપિંડીની રકમ અબજો કરોડોમાં હોઈ શકે છે.
ઈન્ડિયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર (આઈ૪સી) મુજબ વર્ષ 2024માં એનસીઆરપી પર સાયબર ફ્રોડની 19.18 લાખ ફરિયાદો આવી છે, જે દર્શાવે છે કે લોકોએ સાયબર ફ્રોડથી 2024માં કુલ રૂ. 22,811.95 કરોડ ગુમાવ્યા છે. આ આંકડા સાથે ભારત દુનિયાના સૌથી વધુ સાયબર ક્રાઈમના શિકાર દેશોમાં સામેલ થઈ ગયો છે.
ભારતમાં દર વર્ષે સાયબર ક્રાઈમના ગુના વધી રહ્યા છે. જીઆઈઆરઈએમના રિપોર્ટ મુજબ ભારતમાં માલવેર હુમલામાં 11 ટકા, રેન્સમવેરમાં 22 ટકા, ઈન્ટરનેટ સાથે સંકળાયેલી ડિવાઈસીસ પર હુમલામાં 29 ટકા અને ક્રિપ્ટો હુમલામાં કુલ 409૯ ટકાનો ચોંકાવનારો વધારો થયો છે. વર્ષ 2023માં સાયબર ગુનાની 15.56 લાખ ફરિયાદો નોંધાઈ હતી, જે વર્ષ 2024માં વધીને 19.18 લાખ થઈ ગઈ હતી. આ ફરિયાદોમાં મોટાભાગે નાણાકીય ફ્રોડનું પ્રમાણ વધુ છે.
વર્ષ 2023માં ભારતીયોએ રૂ. 7,496 કરોડ સાયબર ક્રાઈમ મારફત ગુમાવ્યા હતા, જ્યારે વર્ષ 2022માં આ આંકડો રૂ. 2,306 કરોડ હતો. વર્ષ 2024માં ભારતીયોએ 2023ની સરખામણીમાં ત્રણ ગણા અને 2022ની સરખામણીમાં 10 ગણા વધુ નાણાં ગુમાવ્યા છે. છેલ્લા ચાર જ વર્ષમાં લોકોએ લગભગ રૂ. 33,165 કરોડ સાયબર ફ્રોડમાં ગુમાવી દીધા છે. જીઆઈઆરઈએમના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૪માં થયેલા ફિશિંગ હુમલામાં 82.6 ટકા એઆઈ જનરેટેડ હતા. તાજેતરમાં ક્યુઆર કોડ આધારિત સાયબર ફ્રોડના કેસ વધવાની સંખ્યા વધી છે.
સાયબર ગુનેગારો નકલી પોસ્ટર્સ, વોટ્સએપ મેસેજીસ અને લિંકનો ઉપયોગ કરી લોકોને ટાર્ગેટ કરે છે, જેનાથી યુઝર્સ એક વખતમાં જ ક્યુઆર કોડ સ્કેન કરી લે છે. કોડ સ્કેન કર્યા પછી પીડિત નકલી યુપીઆઈ પેમેન્ટ પોર્ટલ પર પહોંચી જાય છે, જ્યાંથી તેમના બેન્ક ખાતાની વિગતો ચોરી લેવાય છે. આ રીતે ભારતમાં મોટી સંખ્યામાં સાયબર ફ્રોડ થઈ રહ્યું.
દરમિયાન ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં વીમા ફ્રોડ સામે આવ્યા પછી પોલીસે 12 રાજ્યોમાં ફેલાયેલી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગે અંદાજે રૂ. 100 કરોડની વિમાની રકમ હડપી લીધી હતી. આ ઘટના પછી હવે સંભલ પોલીસે વીમા કંપનીઓને ફ્રોડ રોકવા માટે દેશની 58 વિમા કંપનીઓના પ્રતિનિધિઓ સાથે ઈન્સ્યોરન્સ કોન્કલેવ કરી હતી, જેમાં સંભલ પોલીસના અધિકારીઓએ વીમા ક્ષેત્રમાં સાયબર ગુના રોકવા માટે પોલીસ અને વીમા ક્ષેત્રની કંપનીઓ વચ્ચે બેઠક થઈ હતી.
આ બેઠકમાં વીમા કંપનીઓ દ્વારા વીમા ફ્રોડના નેટવર્કને 12 રાજ્યોથી આગળ ફેલાતું રોકવા માટે એકસ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજનર (એસઓપી) બનાવાશે.



