Mahakumbh2025 : મહાકુંભ નાસભાગમાં 30 લોકોના મોતનો સત્તાવાર સરકારી આંકડો જાહેર
28 જાન્યુઆરીએ મોડી રાતે પ્રયાગરાજના સંગમ નોઝ પર થયેલી નાસભાગમાં 30થી વધુ લોકો મર્યાં હોવાનું મેળા પ્રશાસને જાહેર કર્યું છે. મેળા પ્રશાસને એવું પણ કહ્યું કે નાસભાગમાં 60થી વધુ લોકો ઘાયલ થયાં છે. જોકે આતો સત્તાવાર આંકડો છે પરંતુ મોત તેનાથી પણ વધારે હોઈ શકે છે. પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ નાસભાગ કેવી રીતે થઈ? તેનો આખો ચિતાર આપ્યો છે. તેમણે કહ્યું કે બ્રહ્મ મુહૂર્તમા અખરા માર્ગ પર મોટું ટોળું ભેગું થયું હતું. આ ટોળાને કારણે બીજી બાજુએ રહેલી બેરિકેડ તૂટી અને તેઓ બીજી બાજુએ સ્નાનની રાહ જોઈ રહેલા લોકો પર ફરી વળ્યાં હતા જેમાંથી 90 લોકોને હોસ્પિટલ લઈ જવાયાં અને 30 લોકોના મોત થયાં છે અને 60 ઘાયલ થયાં છે. 30માંથી 25 ઓળખ થઈ છે બાકીનાની ઓળખ ચાલુ છે જેમાં 4 કર્ણાટકના, 1 આસામ, 1 ગુજરાતના છે.
મેળા પ્રશાસનના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે કેટલાક ભક્તો બેરિકેડ તોડીને આગળ વધવા માંગતા હતા. આ સમય દરમિયાન કેટલાક ભક્તો સૂતા હતા જે કચડાઈ ગયા. ડીઆઈજીએ કહ્યું કે ત્યાં કોઈ વીઆઈપી પ્રોટોકોલ નહોતો. ઘાયલોની માહિતી માટે હેલ્પલાઇન નંબર 1920 જારી કરવામાં આવ્યો છે.
નાસભાગની ઘટના અંગે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું કે, ‘બુધવારે (29 જાન્યુઆરી) મોડી રાત્રે બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને તેના માટે સૌ દુઃખી છે, પરંતુ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આપણે સાવચેત રહેવું જોઈએ. હું ભક્તોને ધીરજ રાખવા અને કુંભ ક્ષેત્રમાં વિવિધ ઘાટ પર પવિત્ર સ્નાન કરવા અપીલ કરું છું. એવી કોઈ ચોક્કસ જગ્યા નથી જ્યાં ભક્તોએ સ્નાન કરવા માટે ભેગા થવું જોઈએ. એક જ જગ્યાએ સ્નાન કરીએ તેવો કોઈ આગ્રહ રાખવાની જરૂર નથી. જ્યાં સ્નાન કરશો ત્યાં તમને કુંભ ફળ પ્રાપ્ત થશે.’