વિરોધ પ્રદર્શન લોકશાહીની ઓળખ ભૂખ હડતાળ ગુનો નથી : હાઇકોર્ટ

ચેન્નાઇ: ભૂખ હડતાળ, વિરોધ પ્રદર્શનો લોકશાહીની ઓળખ છે તેવી સ્પષ્ટતા કરતા મદ્રાસ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે સ્પષ્ટતા કરી છે કે વિરોધ પ્રદર્શનો તે લોકશાહીની સાચી ઓળખ છે, કોઇ ભૂખ હડતાળ કરે તો તે ગુનો નથી. આ સાથે જ હાઇકોર્ટે ભૂખ હડતાળ બદલ આરોપી બનાવાયેલા એક ખેડૂત નેતાને મૂક્ત કરવા આદેશ કર્યો હતો અને તેની સામેની ફરિયાદ રદ કરી નાખી હતી.
તમિલનાડુમાં એક ખેડૂત નેતા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો તેની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી, મામલો મદ્રાસ હાઇકોર્ટ પહોંચ્યો હતો. ખેડૂત નેતા કૃષ્ણમૂર્તી સામે ફરિયાદના આધારે તિરુપુરી જિલ્લાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ કેસ ચાલી રહ્યો હતો. આ ક્રિમિનલ કાર્યવાહીને રદ કરવાની માગ સાથે તેમણે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. મદ્રાસ હાઇકોર્ટના ન્યાયાધીશ એમ નિર્મલ કુમારે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે આરોપીના વિરોધ પ્રદર્શન દરમિયાન નાગરિકોને મુશ્કેલીમાં મુક્યા કે પરેશાન થયા હોવાના કોઇ જ પુરાવા નથી. સુત્રોચ્ચાર કરવા કે વિરોધ પ્રદર્શન કરવા કોઇ ગુનો નથી. વિરોધ પ્રદર્શનો લોકશાહીની સાચી ઓળખ છે જેને બંધારણનું પણ રક્ષણ મળેલું છે.
તમિલનાડુ ખેડૂત સુરક્ષા સંગઠનના સ્થાપક અને વકીલ એમ એસાનની સામેના ક્રિમિનલ કેસો પાછા ખેંચવાની માગણી સાથે અને તેમના સમર્થનમાં કૃષ્ણમૂર્તી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું, તેઓ બાદમાં ભૂખ હડતાળ પર બેસી ગયા હતા. પોલીસનો દાવો હતો કે વિરોધ પ્રદર્શનની મંજૂરી લેવામાં નહોતી આવી, જેને કારણે જાહેર જનતાને અસર પહોંચી હતી. આ મામલે ખેડૂત નેતાની સામે બીએનએસની કલમ ૧૮૯(૨), ૨૨૬, ૧૯૩(૧) હેઠળ ફરિયાદ દાખલ થઇ હતી.
બચાવપક્ષે કહ્યું હતું કે આ વિરોધ પ્રદર્શનો ખાનગી સંપત્તિ પર કરાયા હતા જાહેર સંપત્તિ પર નહીં, આ અમારો અધિકાર છે. બાદમાં હાઇકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ મામલામાં ખેડૂત સામે માત્ર આરોપો છે તેના કોઇ સાક્ષી નથી જેથી સાબિત થાય છે કે આ વિરોધ પ્રદર્શનોથી આમ નાગરિકોને કોઇ જ નુકસાન નથી પહોંચ્યું. આરોપોને માત્ર વાંચી કાઢવા પુરતુ નથી.



