NATIONAL

SIRના વિરોધમાં CM મમતા બેનરજી સહિત હજારો TMC કાર્યકરો રસ્તા પર ઉતર્યા

ચૂંટણી પંચે બિહાર બાદ દેશના 12 રાજ્યોમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે મતદાર યાદીમાં વિશેષ સુધારણા પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ત્યારે બંગાળમાં SIR મામલે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. તેના વિરોધમાં મુખ્યમંત્રી મમતા બેનરજી સહિત ટીએમસીના હજારો કાર્યકરોએ કોલકાતામાં પગપાળા માર્ચ યોજી હતી અને કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ટીએમસીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર એસઆઈઆર દ્વારા ધાંધલી કરવાનો આરોપ લગાવ્યો છે.

મુખ્યમંત્રી મમતા બેનરજી (CM Mamata Banerjee)એ કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરી કહ્યું કે, ‘તમે આધાર કાર્ડ માટે કેટલી ચૂકવણી કરી? તમે (કેન્દ્રે) દરેક વ્યક્તિ પાસેથી 1000 રૂપિયા લીધા. જો તમે આધાર કાર્ડ બનાવવા માટે જનતા પાસેથી 1000 રૂપિયા લઈ રહ્યા છો, તો પછી તમે એવું શું કામ બોલો છો કે, મતદાર યાદી માટે આધાર કાર્ડ નહીં, રેશન કાર્ડ માટે આધાર કાર્ડ નહીં? તમે કોને છેતરી રહ્યા છો? તેથી સૌથી સારું એ છે કે પરિવર્તન લાવો અને દિલ્હી સરકારને દેશમાંથી હટાવી દો. આધારની કોઈ જરૂર નહીં પડે. તમે કેટલા કાર્ડ બનાવશો? રેશન કાર્ડ, સ્વાસ્થ્ય કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, કિસાન કાર્ડ, શ્રમિક કાર્ડ.’

વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા TMCના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનરજી (Abhishek Banerjee)એ કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી મનમાની અનુસાર સામાન્ય લોકો પર શરતો થોપી રહ્યા છે, ભલે તે નોટબંધી હોય કે નાગરિકતા માટે દસ્તાવેજો રજૂ કરવાના. આગામી 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જીતવા અને મમતા બેનરજીને ચોથી વાર મુખ્યમંત્રી પસંદ કરવાની લડાઈ નથી, પરંતુ આગામી ચૂંટણી ભાજપને શૂન્ય બેઠકો પર લાવવા માટેની છે.’

Back to top button
error: Content is protected !!