THARADVAV-THARAD

થરાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કથિત લાઠીચાર્જના વિરોધમાં દેખાવો, પોલીસે કાર્યકરોની અટકાયત

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કથિત લાઠીચાર્જની ઘટનાના વિરોધમાં મંગળવારે થરાદ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિના બેનર હેઠળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સર્કિટ હાઉસ ખાતે એકત્રિત થયા બાદ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે આગળ વધ્યા હતા.

વિરોધ પ્રદર્શનને પગલે સર્કિટ હાઉસ તથા રેફરલ હોસ્પિટલ વિસ્તાર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિરોધ કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ વાહનમાં બેસાડી અન્ય સ્થળે ખસેડ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં દેશભરમાં કોંગ્રેસ દ્વારા લોકશાહી પદ્ધતિથી વિરોધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓના અવાજને દબાવવાના પ્રયાસો લોકશાહી માટે ચિંતાજનક છે અને કોંગ્રેસ આવા મુદ્દાઓ પર સતત અવાજ ઉઠાવતી રહેશે.

પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અનેક હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સતત સતર્ક રહ્યું હતું અને શાંતિપૂર્ણ રીતે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી હતી.

Back to top button
error: Content is protected !!