વાવ-થરાદના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા, રાસાયણિક ખાતરો છોડવાની લીધી પ્રતિજ્ઞા

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 
૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત વાવ-થરાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજરોજ થરાદ સ્થિત એ.પી.એમ.સી. હોલ ખાતે રાજ્યના ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વાવ-થરાદ જિલ્લાના ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, આરોગ્ય, જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણના સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. તેમણે ખેડૂતોને રાસાયણિક ખાતરો, જંતુનાશક અને ફૂગનાશક દવાઓનો ઉપયોગ ઘટાડીને દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધવા અપીલ કરી હતી. તેમણે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદનમાં ગુણવત્તા વધે છે તેમજ ખેતી ખર્ચમાં ઘટાડો થવાથી ખેડૂતોની આવકમાં વધારો થાય છે તેમ જણાવ્યું હતું. મંત્રીશ્રી અને મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
કાર્યક્રમ દરમિયાન વાવ-થરાદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત વિવિધ કૃષિ પેદાશોના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતો દ્વારા સ્ટોલોની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીના વિવિધ મોડેલો અને ઉત્પાદનોની માહિતી મેળવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ખેડૂતો, પદાધિકારીઓ અને અધિકારીઓએ ખેતીમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો, જંતુનાશક તથા ફૂગનાશક દવાઓનો ઉપયોગ બંધ કરી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે થરાદ એ.પી.એમ.સી.ના ચેરમેન શ્રી શૈલેષ પટેલ, જિલ્લા અગ્રણી શ્રી નરેશજી ઠાકોર, શ્રી ગુમાનસિંહ ચૌહાણ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એચ.જે. જિંદાલ, સંબંધિત વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.





