વાવ થરાદ જિલ્લા એસ.પી ચિંતન તેરૈયાની આગેવાનીમાં સાયબર ક્રાઇમ સામે કડક કવાયત, બેંક મેનેજરો સાથે મહત્વની સંકલન બેઠક

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચિંતન તેરૈયા સાહેબના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ બેંકોના મેનેજરશ્રીઓ (કોર ટીમ) સાથે મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં વધતા સાયબર ગુનાઓના નિવારણ માટે અસરકારક પગલાં અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન મ્યુલ એકાઉન્ટ્સની ઓળખ કરી તેના પર નિયંત્રણ લાવવાના મુદ્દા, બેંકિંગ ક્ષેત્રે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ સાયબર ઠગાઈનો ભોગ બનેલા નાગરિકોને ત્વરિત અને અસરકારક સહાય મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ પોલીસ અને બેંકો વચ્ચે સતત સંકલન જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે જ સાયબર ગુનાઓને અટકાવવા માટે માહિતીના ઝડપી આદાન-પ્રદાન અને નાગરિકોમાં સાયબર જાગૃતિ વધારવા માટે સંયુક્ત પ્રયાસો કરવા અપીલ કરી હતી.
આ બેઠક દ્વારા સાયબર ક્રાઇમ સામે વધુ સજ્જ અને સુમેળભર્યું તંત્ર ઉભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું માનવામાં આવે છે.




