રામપુરામાં બેફામ કારચાલકનો આતંક! ઘરનો ઝાંપો તોડી કારચાલક ફરાર, પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ તાલુકાના રામપુરા ગામે બેફામ કારચાલક દ્વારા પરિવારના ઘરના ઝાંપા પાસે કાર અથડાવી નુકસાન પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પરિવાર દ્વારા થરાદ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી જવાબદાર કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
અરજીમાં જણાવ્યા મુજબ, રામપુરા ગામે મંદિર નજીક પરિવાર રહે છે. રાત્રિના સમયે એક કારચાલકે કથિત રીતે બેફામ અને ગફલતભરી રીતે કાર હંકારી પરિવારના ઘરના ઝાંપા પાસે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ કારચાલક ઘટનાસ્થળે રોકાયા વિના કાર લઈને ફરાર થઈ ગયો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં પરિવાર દ્વારા તાત્કાલિક 112 પર ફોન કરવામાં આવ્યો હતો. જાણ થતાં 112ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે, પરિવારની માંગ છે કે ઘટનાની ગંભીરતાથી તપાસ કરી કારચાલકની ઓળખ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
અરજી સાથે ઘટનાના સાક્ષી તરીકે રામપુરા ગામના ચાર વ્યક્તિઓના નામ પણ રજૂ કરવામાં આવ્યા છે. હવે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરી જવાબદાર કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પરિવારને થયેલા નુકસાન અંગે ન્યાય મળે તેવી માંગ ઉઠી છે.



