પુત્રની આંખો સામે માતાનો કરુણ અંત, પિયર જવાના માર્ગે કાળે આંબી લીધી જિંદગી”

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 
ઢીમાં-થરાદ રોડ પર બુધવારે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ચોથા નેસડા ગામના જસીબેન હીરાભાઈ વાલ્મીકીનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મળતી માહિતી મુજબ, જસીબેન તેમના પુત્ર સાથે મુડેઠા ગામે તેમના ભાઈના અવસાનના બે મહિના થયા હોવાથી ત્યાં પિયરમાં જવા નીકળ્યા હતા. દરમિયાન ઢીમાં-થરાદ રોડ પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનું ટાયર તેમના માથાના ભાગ પરથી ફરી વળતાં જસીબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ દુર્ઘટનાએ એક પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. પુત્રની આંખો સામે માતાએ અંતિમ શ્વાસ લેતા કરુણ દૃશ્યો સર્જાયા હતા. ઘટનાને પગલે પરિવારજનોમાં આક્રંદ મચી ગયો હતો અને સમગ્ર ચોથા નેસડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સ્થાનિક લોકોમાં બસ ચાલકની બેદરકારીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ દુઃખદ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધું છે.



