AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

એક વખત જાતિનું પ્રમાણપત્ર રદ થાય તો એડમિશન આપમેળે કેન્સલ થઇ જાય : ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઉત્તરપ્રદેશમાં જન્મેલા પાણીપુરી વેચનારના પુત્રના અનામત કેટેગરીની બેઠક પરના એમબીબીએસમાં પ્રવેશને રદબાતલ ઠરાવવાના એડમીશન કમીટીના નિર્ણયને બહાલી આપી હતી. કારણ કે, આ વિદ્યાર્થી ગુજરાત રાજયનો સામાજિક અને આર્થિક પછાત વર્ગ (એસઇબીસી)નો નથી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્ધા માયીની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે, તેમાં કોઈ શંકા નથી કે આ વિદ્યાર્થીએ જાતિના પ્રમાણપત્રના આધારે પ્રવેશ મેળવ્યો હતો, જે જારી કરી શકાયુ ન હતું. એક વખત જાતિનું પ્રમાણપત્ર રદ થઇ જાય એટલે તમારો પ્રવેશ આપોઆપ ગયો જ કહેવાય. તમારો પ્રવેશ કોઈ બચાવી શકે નહી. આ પ્રકારના કેસમાં સહાનુભૂતિ એ પ્રવેશ બચાવવાનું કોઈ કારણ ના બની શકે.

અરજદાર વિદ્યાર્થીનો જન્મ ઉત્તરપ્રદેશમાં થયો હતો પરંતુ તેનું શાળાકીય શિક્ષણ ગુજરાતમાં થયું હતું. તેના પિતા અરવલ્લી જિલ્લામાં પાણીપુરીનો સ્ટોલ ચલાવે છે. 2022માં વિદ્યાર્થીએ નીટની પરીક્ષા આપી 720માંથી 613 માર્કસ મેળવી ઓલ ઇન્ડિયા રેન્કમાં સ્થાન મેળવ્યું. એ પછી 2018માં જારી કરાયેલા જાતિના પ્રમાણપત્રના આધારે તેને એસઇબીસી કેટેગરી હેઠળ પ્રવેશ અપાયો હતો. જો કે, પાછળથી તેનું જાતિનું પ્રમાણપત્ર રદ થતાં સપ્ટેમ્બર-2023માં સત્તાવાળાઓ દ્વારા તેનો પ્રવેશ રદ કરાયો હતો. જેની સામે વિદ્યાર્થીએ હાઈકોર્ટમાં રિટ કરી હતી. સીંગલ જજે વિદ્યાર્થીના પ્રવેશને પુનઃસ્થાપિત કર્યો હતો. જો કે, ચીફ જસ્ટિસના વડપણ હેઠળની બેંચે સહાનુભૂતિના કારણ પર જાતિના પ્રમાણપત્રના આધાર વિના વિદ્યાર્થીને પ્રવેશ ના મળી શકે તેમ ઠરાવી તેનો પ્રવેશ રદબાતલ ઠરાવ્યો હતો.

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુધ્ધા માયીની ખંડપીઠે સીંગલ જજ દ્વારા આ વિદ્યાર્થીની કૌટુંબિક પૃષ્ટભૂમિને ધ્યાનમાં લેતા અને તેની સિધ્ધિ માટે પ્રશંસા કરતા તેનો પ્રવેશને પુનઃસ્થાપિત કરતા હુકમને પડકારતી એડમીશન કમીટીની અપીલ મંજૂર કરી હતી અને સીંગલ જજના હુકમને ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યો હતો. હાઇકોર્ટની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે, અરજદાર વિદ્યાર્થીને ઓપન કેટેગરીમાં ધ્યાનમાં લેવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. કારણ કે, એકવાર કોઈએ અનામતના લાભ માટે દાવો કર્યો હોય તો તેણે તેની પર કાયમ રહેવું પડશે.

એડમીશન કમીટી તરફથી કરાયેલી અપીલમાં રાજયના એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહ અને મદદનીશ સરાકરી વકીલ કે.એમ.અંતાણીએ જણાવ્યું હતું કે, અલ્પેશકુમાર રામસિંહ રાઠોડનો મેડિકલમાં પ્રવેશ સપ્ટેમ્બર-2023માં રદ કરવામાં આવ્યો હતો. કારણ કે તે જે તેલી પેટાજ્ઞાતિનો છે, તે ગુજરાતમાં સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ(એસઇબીસી)માં સમાવિષ્ટ નથી. તેના માતા-પિતા મૂળ ઉત્તરપ્રદેશના છે, જ્યાં આ જાતિ ન અન્ય પછાત વર્ગમાં આવે છે.

અરજદાર વિદ્યાર્થીએ જાતિનું જે પ્રમાણપત્ર મેળવ્યું હતું. તે પાછળથી રદ થયું છે અને તેથી તે એસઈબીસીની કેટેગરીમાં અનામત બેઠક પર પ્રવેશ મેળવવા હકદાર બનતો જ નથી. એડમીશન કમીટીની દલીલ ગ્રાહ્ય રાખી હાઈકોર્ટની ખંડપીઠે એ વાત પણ નોંધી હતી કે, અરજદાર વિદ્યાર્થીના પરિવારમાં કોઈપણ સભ્ય પાસે ગુજરાત રાજયનું એસઈબીસી કેટગરીનું જાતિનું પ્રમાણપત્ર નથી. હાઈકોર્ટે જણાવ્યું કે, જાતિ માતા-પિતા તરફથી આવે છે. તમે જો જાતિમાં જન્મ્યા છો, તમે અન્યથા જાતિ પ્રાપ્ત કરી શકો નહિ. જો તમારા માતા-પિતા પાસે ગુજરાતમાં એસઇબીસી પ્રમાણપત્ર ના હોય તો તમે તે મેળવી શકો નહી.

ખંડપીઠે આ વિદ્યાર્થીનો પ્રવેશ રદ થવાથી બેઠક ખાલી રહેશે અને તેણે પ્રવેશ રદ થયા પહેલાં નવ મહિના સુધી અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી મેરીટોરિયસ હતો અને સીંગલ જજે તેને આશા આપી હોવા અંગેની કરાયેલી દલીલોને ફગાવતાં ખંડપીઠે જણાવ્યું હતું કે, આ પ્રકારની સહાનુભૂતિ કોઈને આપવી જોઈએ નહી. આ પ્રકારની આશા કોઈને એટલા માટે ના આપવી જોઇએ કારણ કે, આ તમારા પોતાના કાર્યોનું જ પરિણામ છે. તમે જાણતા હતા કે, તમે એ જાતિના નથી અને તમારા પરિવારને પણ તેની ખબર છે.

ખંડપીઠે સાફ શબ્દોમાં જણાવી દીધું કે, અનામત કેટેગરીમાં પ્રવેશ મેળવવા માટે તમે ઉત્તરપ્રદેશમાં સ્પર્ધા કરી શકો છો. તમે ગુજરાત રાજયમાં અનામતનો લાભ મેળવી શકો નહી., ઉત્તરપ્રદેશ રાજયમાં પાછા જાઓ, તમને ત્યાં લાભ મળશે. તમે ઉત્તરપ્રદેશ રાજયમાં સ્પર્ધા કરો. ખંડપીઠે એવી ટકોર પણ કરી હતી કે, અરજદાર વિદ્યાર્થીએ નીટની પરીક્ષામાં ઉંચા માર્કસ મેળવ્યા છે અને તે ગુજરાતની કોઈપણ કોલેજમાં ઓપન કેટેગરીમાં પ્રવેશ મેળવી શક્યો હોત તે બાબત પ્રવેશને સુરક્ષિત કરવા માટેનું કારણ ના બની શકે.

હાઇકોર્ટે વિદ્યાર્થીના વકીલને પૃચ્છા કરી હતી કે, જયારે તમે જાણતા હતા કે, તમે ગુજરાત રાજ્યમાં તમે અનામત કેટેગરીની એ જાતિમાં આવતા નથી, તો તમે તેનું પ્રમાણપત્ર મેળવવા કેમ જશો…? આ તબક્કે ખંડપીઠે વકીલોની પાછળની હરોળમાં બેઠેલા અરજદારને માથુ હલાવવાનો અને ચીફ જસ્ટિસની ટિપ્પણીનો જવાબ આપવાનો પ્રયાસ કરતાં ચીફ જસ્ટિસે તેને કોર્ટરૂમની બહાર જવા ફરમાન કર્યું હતું. હાઈકોર્ટે બહુ કડક ભાષામાં સંકેત આપતાં જણાવ્યું કે, આપણે કેટલાક મજબૂત અને આકરા નિર્ણયો લેવાના છે પરંતુ કાયદાનું શાસન પ્રવર્તમાન કરવું પડશે. આ પ્રકારની કોઈ કેસમાં દખલગીરી એ ખોટા સંકેત આપે છે કે આવું કોઈપણ કરી શકે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!